(એજન્સી) નવી દિલ્હી, તા. ૧
અમેરિકી અખબાર વોલ સ્ટ્રીટ જર્નલમાં તાજેતરમાં દાવો કરાયો છે કે, જ્યારે ચૂંટણીઓમાં કોંગ્રેસની હાર થઇ હતી ત્યારે ભારતમાં ફેસબૂકના ટોચના અધિકારીએ આંતરિક કાર્યલયી સંવાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખૂબ પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, આ ૩૦ વર્ષની આકરી મહેનતનું પરિણામ છે. આ અંગે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, આંતરરાષ્ટ્રીય મીડિયાએ ભારતની લોકશાહી અને સામાજિક સદભાવ પર ફેસબૂક અને વોટ્‌સએપના હુમલાને સંપૂર્ણ રીતે ખુલ્લો પાડ્યો છે. અમારા દેશની બાબતોમાં કોઇને પણ દખલ કરવાની મંજૂરી આપી ના શકાય. આ બાબતમાં તાત્કાલિક તપાસ થવી જોઇએ અને દોષીને સજા થવી જોઇએ. રાહુલ ગાંધી ઉપરાંત અન્ય નેતાઓએ પણ ભાજપ અને ફેસબૂકની સાંઠગાંઠનો આરોપ લગાવ્યો છે અને કહ્યું છે કે, વિદેશી સોશિયલ નેટવર્કિંગનું કૃત્ય ડિજિટલ સામ્રાજ્યવાદ છે. પાર્ટીના ટોચના નેતા અધિર રંજન ચૌધરીએ કહ્યું કે, ફેસબૂક ઇન્ડિયા સાથે જોડાયેલા લોકોની તપાસ ના થાય ત્યાં સુધી કંપનીના પડતર પ્રસ્તાવોને મંજૂરી મળવી જોઇએ નહીં. કોંગ્રેસના આરોપો પર ફેસબૂક કે ભાજપની કોઇ પ્રતિક્રિયા આવી નથી.