(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૯
ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેની સામે ફોજદારી ફરિયાદ કરવાના મેટ્રોકોર્ટના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો છે. વર્ષ-૨૦૦૭ની ચૂંટણીમાં આચારસંહિતાનો ભંગ કરવા બદલ તેમની સામે થયેલી ફરિયાદને પગલે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટે ફોજદારી ફરિયાદ કરવા આદેશ કર્યો હતો. જેની સામે હાઇકોર્ટમાં રિટ કરવામાં આવી છે. કોંગ્રેસના શહેર પ્રમુખ પંકજ શાહે પ્રદીપસિંહ સામે આચારસહિતાનો ભંગની ફરિયાદ કરી હતી. ચૂંટણી ચાલતી હોવા છતાં પ્રદીપસિંહે પ્રચાર કરતા પેમ્ફલેટ વેચ્યા હતા.જેમા અસારવાના ધારાસભ્યના નામથી આપણું ગુજરાત, આપણું અસારવા નામે સ્લોગન લખ્યું હતું અને તેમા નરેન્દ્ર મોદી અને પ્રદીપસિંહ જાડેજાનો ફોટો હતો. કલેક્ટરે ગંભીરતાથી નોંધ લઇને અસારવાની ચૂંટણીપંચની કચેરીને કોર્ટમાં અરજી કરવા આદેશ કર્યો હતો. કેસ ની વિગતો અનુસાર પ્રદીપસિંહ જાડેજા સામે ફરિયાદ દાખલ કરવા કોર્ટે આદેશ કર્યો હતો, ૨૦૦૭નો કેસ છે.
ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવા અમદાવાદ મેટ્રોપોલિટન કોર્ટે આદેશ આપ્યો હતો. પ્રદીપસિંહ જાડેજાએ ૨૦૦૭ની ચૂંટણી દરમિયાન આચારસંહિતાભંગ કર્યો હોવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, તે સંદર્ભે લગભગ ૧૨ વર્ષ પછી કોર્ટનું આ ફરમાન આવ્યું હતું.
૨૦૦૭માં અમદાવાદની અસારવા વિધાનસભા બેઠકની ચૂંટણી દરમિયાન પ્રદીપસિંહે એક પત્રિકા છપાવી હતી. જે અંગે તે સમયે તત્કાલીન શહેર કોંગ્રેસ પ્રમુખ પંકજ શાહે ક્લેકટર સમક્ષ ફરિયાદ નોંધાવી આક્ષેપ કર્યો હતો કે, પ્રદીપસિંહે ચૂંટણીમાં પત્રિકા છપાવી આચારસંહિતાનો ભંગ કર્યો છે.
ફરિયાદમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, મતદારોને આકર્ષવા માટે પ્રદીપસિંહે ૨૦૦૭માં નવરાત્રિમાં કેટલીક વસ્તુ વહેંચી હતી. જેની જે તે સમયે ચૂંટણી પંચમાં પણ ફરિયાદ કરવામાં આવી હતી. આ સંદર્ભમાં ૩૦ ડિસેમ્બર ૨૦૧૯એ થયેલી સુનાવણીમાં ફરિયાદ દાખલ કરવા કોર્ટે આદેશ કર્યો હતો. કોર્ટે પોતાના આદેશમાં હાલના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજા વિરુદ્ધ ફોજદારી ગુનો નોંધવા જણાવ્યું હતું. આ સાથે ગુજરાતના રાજકીય વર્તુળોમાં ગરમાટો આવી ગયો છે.