(એજન્સી) નવી દિલ્હી, તા.૯
સુપ્રીમ કોર્ટને માહિતી આપવામાં આવી હતી કે વિશ્વમાં સૌથી વધુ ફોરેસ્ટ અધિકારીઓનાં મોત ભારતમાં થાય છે. એ પછી સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને જણાવ્યું કે તેઓ ફોરેસ્ટ અધિકારીઓને હથિયારો, બુલેટ પ્રૂફ જેકેટ અને વાહનો આપે. સુપ્રીમકોર્ટની બેંચ સમક્ષ રજૂઆત કરતા વકીલ શ્યામ દીવાને કહ્યું હતું કે વિશ્વમાં ફોરેસ્ટ અધિકારીઓના મૃત્યુઓમાંથી ૩૦ ટકા મૃત્યુઓ ભારતમાં થાય છે. સી.જે.આઈ. એ કહ્યું કે ફોરેસ્ટ અધિકારીઓ ખૂબ જ મજબૂત ફોર્સ સામે લડી રહ્યા છે. મિલિયન ડોલર્સના ગુનાઓ થઇ રહ્યા છે. આ આંતરરાષ્ટ્રીય ગુનો છે. હાલમાં જ માહિતી મળી હતી કે પેન્ગોલીન ચામડીનો વેપાર ચીનમાં ખૂબ જ થઇ રહ્યો છે કારણ કે ત્યાંના લોકોનું માનવું છે કે આ શુકનિયાળ છે. કોર્ટે કહ્યું કે કેન્દ્ર સરકારે વિચારવું જોઈએ કે અન્ય એજન્સીઓએ પણ ફોરેસ્ટ વિભાગને મદદ કરવી જોઈએ. સી.જે.આઈ.એ ધ્યાન દોર્યું કે આસામના અધિકારીઓને શસ્ત્રો આપવામાં આવે છે અને કોઈની હિંમત નથી કે એમને પડકારી શકે.પણ મધ્યપ્રદેશમાં ફોરેસ્ટ અધિકારીઓ લાકડીઓ સાથે ફરે છે. કર્ણાટકામાં ગાર્ડો ચપ્પલ પહેરી નીકળે છે. આ રાજ્યોમાં શિકારીઓ એમની ઉપર સરળતાથી હુમલો કરે છે. એમણે મહારાષ્ટ્રના વકીલને પૂછ્યું કે ફોરેસ્ટ અધિકારીઓને હથિયારો કેમ આપવામાં આવતા નથી ? દરેક રાજ્યમાં જુદી જુદી પરિસ્થિતિ છે. ફોરેસ્ટ અધિકારીઓની જવાબદારી શહેર પોલીસ કરતા મોટી છે. તેઓ એકલા જ ફરે છે. કોર્ટ મિત્ર રાવે કહ્યું કે રાજ્યો એમને ફાળવાયેલ ફંડનો ઉપયોગ જ નથી કરતા. વકીલ શ્યામ દીવાને કહ્યું કે ફોરેસ્ટ અધિકારીઓની પરિસ્થિતિ દયનીય છે. એમના કરતા શિકારીઓ વધુ સાધનો અને હથિયારો ધરાવે છે. એવા સંજોગોમાં અધિકારીઓ એમનો સામનો કઈ રીતે કરી શકે. ગાર્ડથી ગુનેગાર વધુ મજબૂત છે. જેને બદલવો જ જોઈએ.
Recent Comments