જામનગર, તા.૫
જામનગર વાયુસેનાના અધિકારીઓ અને જવાનો જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા અને દેશના લોકોની મીટ મંડાયેલી હતી તે શુભઘડી ગઇકાલે રાત્રે ૮ઃ૧૪ કલાકે આવી પહોંચી હતી. ફ્રાંસથી ટેક ઓફ થયેલા ત્રણ રાફેલ વિમાનો જામનગર સ્થિત એરફોર્સના એરબેઝપર આવી પહોંચયા હતા. ફ્રાંસથી જામનગર સુધીનું અંદાજે ૮ કલાકનું અંતર અને ૭૩૬૪ કિલોમીટરની લાંબી મુસાફરી આ અતિ આધુનિક વિમાને નોન-સ્ટોપ પસાર કરી હતી અને જામનગર આવી પહોંચ્યા હતા. રસ્તામાં ઉડાનભરતા જ આ ત્રણેય વિમાનોમાં ફયુલ ભરવામાં આવ્યું હતું. જામનગર એરબેઝપર આ વિમાનોની ગુંજ સંભળાતા જ હાજર એરફોર્સના જવાનોમાં અનેરો જોષ જોવા મળી રહ્યો હતો અને રાઇટ ૮ઃ૧૪ કલાકે આ વિમાનોએ એક પછી એક એમ ભારતીયભૂમિ પર લેન્ડીંગ કર્યુ હતું.
ઉલ્લેખનીય છે કે ભારતસરકાર દ્વારા ફ્રાંસસાથે ૩૬ રાફેલ વિમાનનો રૂા.૬૨૫ અબજમાં સોદો કરવામાં આવ્યો છે અને તે પૈકી પાંચ વિમાનો અંબાલા ખાતે આવી પહોંચ્યા હતા અને ગઇકાલે વધુ ત્રણ વિમાનો જામનગર આવી પહોંચતા ૩૬ પૈકી ૮ વિમાનો આવી પહોંચ્યા છે. જયારે બાકીના ૨૮ રાફેલ વિમાનો ૨૦૨૦ સુધીમાં ભારતીય વાયુસેનાને પહોંચાડવાના રહેશે.
મોડી સાંજે જામનગર આવી પહોંચેલા ત્રણ રાફેલ વિમાનો સાથે ફ્રાન્સથી જામનગર સુધીની હવાઇ મુસાફરીમાં રસ્તામાં લડાકુ વિમાનોને ફયુલ પૂરૂ પાડવા માટે સાથે રહેલું અન્ય એક વિમાનપણ રાફેલની સાથે જામનગર આવી પહોંચ્યુ હતું. આ તમામ વિમાનો આજે જામનગરથી અંબાલા બેઇઝ જવા રવાના થયા હતા. અંબાલા ખાતે અન્ય પાંચ વિમાનો સાથે આ ત્રણ વિમાનો જોડીને તેની અદ્યતન ટેકનોલોજી અને ઉડાન ક્ષમતાની તાલીમ ભારતીય વાયુ સેનાના પાયલોટને આપવામાં આવશે. પ્રતિકલાક ૨૦૦૦ કિ.મી.ની ઝડપ અને ૨,૪૩૫ ટનની વહનક્ષમતા ધરાવતું આ વિમાન ૧૫.૩૦ મીટરની લંબાઇ અને ૫.૩૦ મીટરની ઉંચાઇ ધરાવે છે. ઉડાન સમયે આ વિમાનની ફયુલ ક્ષમતા ૪.૭ ટનની છે. આ લડાકુ વિમાનની ખાસીયત એ છે કે તે પરમાણું મિસાઇલ પણ વહન કરી શકે છે. આગામી દિવસોમાં આ વિમાન ભારતની હવાઇ સુરક્ષા માટે અતિ મહત્વ ભૂમિકા ભજવશે તેમા શંકાને કોઇ સ્થાન નથી.