(એજન્સી) તા.પ
તુર્કી અને પાકિસ્તાને પયગમ્બરે ઈસ્લામના અપમાનજનક કાર્ટૂનોને ફરી પ્રકાશિત કરવાના ફ્રાન્સીસી મેગેઝિન ‘શાર્લી હેબ્દો’ના નિર્ણયની સખત ટીકા કરી છે. મેગેઝિને આ અઠવાડિયે પોતાના એક તંત્રીલેખમાં દાવો કર્યો છે કે આ કાર્ટૂન ઈતિહાસથી સંબંધિત છે અને ઈતિહાસને ના ફરી લખી શકાય છે અને ના ભૂંસી શકાય છે. ઉલ્લેખનીય છે કે ર૦૧પમાં પેરિસ હુમલામાં સામેલ શંકાસ્પદ હુમલાખોરની વિરૂદ્ધ કેસ શરૂ થવાની પૂર્વ સાંજે આ અપમાનજનક કાર્ટૂનોને ફરી પ્રકાશિત કરવામાં આવ્યા હતા. ફ્રાન્સીસી રાષ્ટ્રપતિ ઈમેનુએલ મેંક્રોને ‘શાર્લી હેબ્દો’ના આ પગલાંની ટીકા કરવાથી ઈન્કાર કરી દીધો અને તેને અભિવ્યક્તિની આઝાદી બતાવતાં દાવો કર્યો કે તેમને આ વિશે નિર્ણય લેવાનો અધિકાર નથી. તુર્ક વિદેશ મંત્રાલયના પ્રવક્તા હામી એકસૉયનું કહેવું હતું કે અભિવ્યક્તિ અથવા મીડિયાની આઝાદીના નામે મુસ્લિમોની ધાર્મિક ભાવનાઓ સાથે ચેડાંની પરવાનગી આપી શકાતી નથી. એક્સૉયનું કહેવું હતું કે જે લોકો ડેમોક્રેટ અને લિબરલ હોવાનો દાવો કરી રહ્યા છે, ઈસ્લામોફોબિયા અને મુસ્લિમોની વિરૂદ્ધ નફરત ફેલાવી તે ફ્રાન્સ અને યુરોપમાં એક નવી ફાસીવાદી અને જાતિવાદી પેઢીની સેવા કરી રહ્યા છે. તેમણે ફ્રાન્સ અને અન્ય દેશોના નેતાઓને આ પ્રકારના ઈસ્લામ વિરોધી પગલાંની વિરૂદ્ધ સ્પષ્ટ રીતે પોતાનો પક્ષ લેવાની અપીલ કરી. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે પણ ફ્રાન્સના સાપ્તાહિક મેગેઝિનના પગલાંની ટીકા કરતાં જણાવ્યું કે મુસ્લિમોની ધાર્મિક ભાવનાઓ પર ઈરાદાપૂર્વક પ્રહાર કરવામાં આવી રહ્યા છે.