(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૩૧
ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ ઈમાન્યુએલ મેક્રોન દ્વારા તાજેતરમાં ઈસ્લામ ધર્મને લઈને કરાયેલા અયોગ્ય નિવેદનને લઈને સમગ્ર વિશ્વનાં મુસ્લિમ સમાજમાં રોષ પ્રવર્તી ઉઠયો છે,ત્યારે આણંદ શહેર સહીત જિલ્લાભરનાં મુસ્લિમ સમાજમાં પણ તેને લઈને ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ વિરૂદ્ધ ઉગ્ર રોષ પ્રવર્તી રહ્યો છે.ત્યારે સોજીત્રામાં ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ વિરૂદ્ધ માર્ગ પર પોષ્ટરો લગાવનાર પાંચ મુસ્લિમ યુવાનો વિરૂદ્ધ પોલીસે કોમી ઉસ્કેરણીનો ખોટો ગુનો નોંધીને ભારતીય બંધારણએ વિરોધ કરવા આપેલા અધિકારનો ભંગ કરીને અધિકાર છીનવી લીધો છે,ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ વિરૂદ્ધ લગાવેલા પોષ્ટરોથી કોઈ સરકારી મિલ્કતને નુકશાન થયેલ નથી કે કોઈ કોમી ઉસ્કેરણી થતી નથી તેમ છતાં મુસ્લિમ સમાજનો વિરોધ કરવાનો અધિકાર પોલીસ દ્વારા છીનવી લઈ ખોટી ફરીયાદ નોંધવામાં આવી છે,જેને લઈને પણ મુસ્લિમ સમાજમાં રોષની લાગણી પ્રવર્તી રહી છે.
આણંદનાં જમીઅતે ઉલેમાએ હિંદનાં જનરલ સેક્રેટરી એમ જી.ગુજરાતીએ જણાવ્યું હતું કે ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ જેવા ઉચ્ચ હોદ્દા પર બીરાજેલા ઈમાનુએલ મેક્રોનએ ઈસ્લામ અને અલ્લાહનાં પયંગબર વિરૂદ્ધ જે નિવેદન આપેલ છે,તેને સમગ્ર વિશ્વનો કોઈ પણ મુસ્લીમ સહન કરી શકે નહી,મુસલમાન પોતાનું અપમાન સહન કરી શકે છે,પરંતુ અલ્લાહ કે હજરત મોહંમદ પયગંબર સાહેબની કરાયેલી તૌહીન કયારેય સહન કરી શકે નહી,ત્યારે એક દેશનો રાષ્ટ્રપતિ જો આવા હલકા અને નિમ્ન પ્રકારનાં વિચારો ધરાવતો હોય તો તેનાં એક દેશનાં આવા ઉચ્ચ હોદ્દા પર રહેવાનો કોઈ અધિકાર નથી,તેણે પોતાનાં શબ્દો પરત લેવા જોઈએ અથવા પદ પરથી રાજીનામું આપી દેવું જોઈએ,તેમજ દરેક મુસ્લિમને પણ તેનો વિરોધ કરવાનો અધિકાર છે. આણંદનાં પીરે તરીકત શૈખુલ કુર્રા શબ્બીરશાહ ઉર્ફે કારીબાપુ, પીરેતરીકત સૈયદ ગુલામરસુલ જલાલી બાપુ કારંટાવાળા, પીરે તરીકત સૈયદ અબરારહુશેન બાપુ, પીરે તરીકત સૈયદ ઝાકીરહુશેન બાપુ, હાફેજ ઈકબાલ (ઈમામ મસ્જિદે ઈન્આમ), મોલાનાં લુકમાન તારાપુરી (ઈમામ જામા મસ્જિદ આણંદ) સહીત ઉલેમાઓ દ્વારા પણ ફાન્સનાં રાષ્ટ્રપતિ દ્વારા કરાયેલા નિવેદનને વખોડી કાઢી રોષ વ્યકત કર્યો હતો, આણંદનાં મુસ્લિમ અગ્રણી ઐયુબખાન પઠાણ બુઈ, આણંદ શહેર મુસ્લિમ સમાજ વેલ્ફેર ટ્રસ્ટનાં પ્રમુખ ઐયુબખાન આર પઠાણ,સરવર ચેરીટેબલ ટ્રસ્ટનાં પ્રમુખ યાવરહુશેન ઠાકોર,શહેર સેન્ટ્રલ મહોરમ કમીટીનાં પ્રમુખ શાહરૂખબેગ મિરઝા, કાઉન્સિલર સલીમશા દિવાન સહીત અગ્રણીઓ દ્વારા પણ ફ્રાન્સનાં રાષ્ટ્રપતિનાં નિવેદન વિરૂદ્ધ રોષ પ્રગટ કરવામાં આવ્યો છે.
જયારે સોજીત્રાનાં અગ્રણી જાવેદ વ્હોરાએ જણાવ્યું હતું કે સોજીત્રામાં કેટલાક મુસ્લિમ યુવાનો દ્વારા માત્ર માર્ગ પર ફ્રાન્સનાં રાષ્ટ્રપતિ વિરૂદ્ધ પોસ્ટરો લગાવવામાં આવ્યા છે,કોઈ કોમી વૈમન્સય ફેલાય તેવું કૃત્ય કે કોઈ સરકારી જાહેર મિલ્કતને નુકશાન કરવામાં આવ્યું નથી, ભારત દેશનું બંધારણ મુસ્લિમ સમાજને વિરોધ કરવાનોે બંધારણીય અધિકાર આપે છે, ત્યારે પોલીસ દ્વારા મુસ્લિમ યુવાનો પર જે ફરીયાદ નોંધવામાં આવી છે, તેની સામે કાયદેસરની જે કાર્યવાહી થતી હશે તે કરવામાં આવશે.