માંગરોળ, તા.૯
વિશ્વના મહાન પુરૂષ, અમન-શાંતિ અને ભાઇચારાના વાહક ઈસ્લામ ધર્મના મહાન પયગમ્બર હઝરત મોહંમદ મુસ્તુફા (સ.અ.વ.) વિશે અપમાનજનક કાર્ટૂન બનાવનાર કાર્ટૂનિસ્ટને સમર્થન આપી ફ્રાન્સના રાષ્ટ્રપતિએ ઈસ્લામ ધર્મમાં માનનારા દુનિયાભરના લોકોના દિલને ઠેસ પહોંચાડેલ છે. ફ્રાન્સ દેશના સર્વોચ્ચ પદ પર બેસનાર વ્યક્તિ આવી હલકી માનસિકતા રાખતો હોય તો તે દુનિયા માટે ચિંતાજનક બાબત છે. જેનો રોષ સમગ્ર મુસ્લિમ જગતમાં ફાટી નીકળ્યો છે. આ સંદર્ભે માંગરોળ ખાતે તમામ મુસ્લિમ સમાજના લોકોએ નબી (સ.અ.વ.)ની લાગણી માટે તમામ ફીરકા પરસ્તી નેવે મૂકી સોમવારના રોજ સવારથી જ પોતાના તમામ ધંધા રોજગાર, શાકમાર્કેર્ટ વગેરે તમામ નાના મોટા ધંધાઓ બંધ રાખી રોષ વ્યક્ત કર્યો હતો.
માંગરોળના ગાંધીચોકથી ગુલઝાર ચોક, ચા બજાર, ચારા બજાર, ચીકલી ચોક, ખાટકીવાડા, નવાપરા, કઠલિયા, મકતૂપૂર ઝાપા, બસ સ્ટેન્ડ, ઈન્દિરા નગર, શિફા રોડ, લાલબાગ, મીઠીવાવ, બંદરઝાપા, લુહાર વાડા સહિત તમામ મુસ્લિમ વિસ્તારો તેમજ ફિશમાર્કેટ, શાકમાર્કેટ સહિત તમામ ધંધાઓ સજ્જડ બંધ રાખી રોષ વ્યક્ત કર્યો હતો. બંધને પગલે માંગરોળ પોલીસ એલર્ટ રહી તમામ ચોક રસ્તાઓ પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.