(એજન્સી) તા.પ
ભારત સાથે થયેલા રફાલ ફાઇટર જેટ વિમાનોના સોદામાં નવેસરથી તપાસ કરાવવા સરકાર ઉપર દબાણ લાવવા ફ્રાન્સની ભ્રષ્ટાચાર વિરોધી લોબીએ એક ઝૂંબેશ શરૂ કરી દીધી છે. આ કેસ ઉપર સતત દેખરેખ રાખનાર પેરિસ સ્થિત એક કર્મશીલે પોતાનું નામ ગુપ્ત રાખવાની શરતે સંકેત કર્યો હતો કે આ વર્ષના અંત સુધીમાં આ કેસમાં તમામ બાબતો સ્પષ્ટ થઇ જશે. ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા તાજેતરમાં સંસદમાં રજૂ કરાયેલા અહેવાલમાં એવી ટીકા કરવામાં આવી હતી કે ભારતના એરફોર્સ માટે રૂા. ૫૯૦૦૦ કરોડના ખર્ચે ૩૬ રફાલ ફાઇટર જેટ વિમાનો ખરીદવાનો જે સોદો થયો હતો તેમાં રફાલ વિમાનનું ઉત્પાદન કરતી ફ્રાન્સની દસોલ્ટ કંપનીએ કરારની જોગવાઇઓ મુજબ હજુ સુધી તેની ઓફસેટ શરતો પૂરી કરી નથી અને ભારતની કંપનીને ટેની ટેકનોલોજી ટ્રાન્સફર કરી નથી. આ અહેવાલ બાદ ફ્રાન્સમાં પણ હલચલ મચી ગઇ હતી જેના પગલે ભ્રષ્ટાચાર વિરોધી લોબીએ આ કેસમાં નવેસરથી તપાસ કરાવવાની ઝૂંબેશ પાડી છે. તે ઉપરાંત ભારતના ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ તાજેતરમાં જ લંડનની એક કોર્ટમાં આપેલી જુબાનીમાં પોતાને નાદાર હોવાનો કરાર કર્યો હતો જેના પગલે પણ ફ્રાન્સની આ લોબીમાં અનેક પ્રકારની શંકા-કુશંકાઓ થવા લાગી હતી. જો કે ભ્રષ્ટાચાર વિરોધી લોબીએ જેવી આ ઝૂંબેશ ઉપાડી તે સાથે જ ફ્રાન્સની સરકારે તેના ઉપર દબાણ લાવવાનું શરૂ કરી દીધું હતું અને તેને આ ઝૂંબેશને પડતી મૂકવા સમજાવવાનું શરૂ કરી દીધું હતું. ફ્રાન્સ સરકારની માલિકીની જાહેર સાહસ એવી દસોલ્ટ કંપની છેલ્લા ઘણા સમયથી નાણાંકીય ભીડ અનુભવી રહી હોવાથી સ્વાભાવિક છે કે કોઇપણ ફ્રેન્ચ નાગરિક દસોલ્ટના સોદામાં કોઇપણ અવરોધ પેદા થાય તેમ ઇચ્છશે નહીં. પરંતુ ફ્રાન્સની ભ્રષ્ટાચાર વિરોધી લોબી ફ્રેન્ચ સરકારને એવો પ્રશ્ન પૂછી રહી છે કે ફ્રાન્સની સરકારની માલિકીની એક સંરક્ષણ કંપની એવી વ્યક્તિને પોતાનો ઓફસેટ પાર્ટનર તરીકે પસંદ કરી શકે જેને એરફોર્સના હાર્ડવેરનું ઉત્પાદન કરવાનો કોઇ અનુભવ નથી અને જે વ્યક્તિ ધીમે ધીમે નાદારી તરફ આગળ વધી રહી છે. ઉલ્લેખનીય છે કે ૧૩ માર્ચ-૨૦૧૪ના રોજ દસોલ્ટ કંપનીએ ભારતની હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ સાથે ભારતમાં જ ૧૨૬ રફાલ ફાઇટર જેટ વિમાનોનું ઉત્પાદન થાય તે માટે ટેકનલોજી ટ્રાન્સફર કરવાનો એક કરાર કર્યો હતો. ત્યારબાદ ૨૦૧૪ની સાલમાં નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા ત્યારે પણ હિદુસ્તાન એરોનોટિક્સનો આ કરાર ચાલુ રહ્યો હતો. પરંતુ જ્યારે મોદી ફ્રાન્સની મુલાકાતે ગયા અને સફાલ ફાઇટર વિમાનોનો સોદો કરવા કરાર કર્યા ત્યારે અગાઉનો કરોર રદ થઇ ગયો હતો, અને તેની ઘણી બધી શરતો પણ બદલાઇ ગઇ હતી. નવા કરારમાં હિંદુસ્તાન એરોનોટિક્સને ઓફસેટ પાર્ટનર તરીકે પડતી મૂકવામાં આવી હતી ને અનિલ અંબાણીની કંપનીએ ઓફસેટ પાર્ટનર તરીકે એન્ટ્રિ લઇ લીધી હતી.