(એજન્સી) નવી દિલ્હી, તા.૨૭
દેશમાં કોરોના વાયરસના રોજ સામે આવી રહેલા નવા કેસોના કારણે સરકારી હૉસ્પિટલો પર દબાણ વધતું જઈ રહ્યું છે. એવામાં ખાનગી હૉસ્પિટલો પાસે મદદ લેવા પર વિચાર કરવામાં આવી રહ્યો છે પરંતુ ખાનગી હૉસ્પિટલોમાં સારવાર ખૂબ મોંઘી થાય છે, જે દરેક દર્દીને પરવડે તેવું નથી. સુપ્રીમ કોર્ટ એ તેની પર ગંભીર નોંધ લેતા કેન્દ્ર સરકાર પાસે ખાનગી હૉસ્પિટલો અંગે માહિતી માંગી છે. કોર્ટે બુધવારે પૂછ્યું છે કે, જો ખાનગી હૉસ્પિટલો મફતમાં કોરોના દર્દીઓનું સારવાર નથી કરતી તો સરકારે આ હૉસ્પિટલોને મફતમાં જમીન કેમ આપી?
બેન્ચનું નેતૃત્વ કરી રહેલી ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા એસ. એ. બોબડે એ સોલિસિટર જનરલ તુષાર મહેતાને પૂછ્યું કે, પ્રાઇવેટ હૉસ્પિટલો માટે સરકાર મફતમાં જમીન ફાળવે છે કે પછી ખૂબ સામાન્ય ચાર્જ લે છે. એવામાં આ હૉસ્પિટલોને આ મહામારીના સમયે સંક્રમિતોની મફતમાં સારવાર કરવી જોઈએ.
બેન્ચે સોલિસિટર જનરલેન તે પ્રાઇવેટ હૉસ્પિટલોની યાદી તૈયાર કરવા માટે કહ્યું છે જેઓને ચેરિટી ગ્રાઉન્ડ પર જમીન મફતમાં ફાળવવામાં આવી હતી. કોર્ટે એક સપ્તાહમાં તેનો રિપોર્ટ સોંપવા માટે કહ્યું છે. કોર્ટે કહ્યું કે, આપને આવી હૉસ્પિટલો વિશે જાણવું જોઈએ. આ હૉસ્પિટલોમાં ચેરિટી ગ્રાઉન્ડ પ શું કામ થાય છે.આ મામલામાં સચિન જૈન નામના એક વ્યક્તિએ અરજી દાખલ કરી હતી, જેની પર સુનાવણી કરતાં કોર્ટે આ ટિપ્પણી કરી. સચિન જૈને અરજીમાં દાવો કર્યો હતો કે પ્રાઇવેટ હૉસ્પિટલ કોવિડ-૧૯ દર્દીઓની સારવાર માટે ૧૦થી ૧૨ લાખ રૂપિયા ચાર્જ કરી રહી છે. જો કે, આ સારવારમાં કોઈ સર્જરી પણ નથી થતી.