(એજન્સી) તા.૨૫
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે શનિવારે કહ્યું કે ફ્રેન્કલિન ટેમ્પલેટેન મ્યુચ્યુઅલ ફંડ દ્વારા તેની છ લોન યોજનાઓ બંધ કરવી રોકાણકારો અને નાણાકીય બજાર માટે ગંભીર ચિંતાનો વિષય છે.
ચિદમ્બરમે એક નિવેદનમાં કહ્યું કે ફ્રેન્કલિન ટેમ્પલેટન મ્યુચ્યુઅલ ફંડનો નિર્ણય રોકાણકારો, મ્યુચ્યુઅલ ફંડ અને નાણાકીય બજારો માટે ગંભીર ચિંતાનો વિષય બની ગયો છે. મને ૨૦૦૮નો એ સમય યાદ આવે છે કે જ્યારે આવી સ્થિતિ પેદા થઇ હતી. તે સમયે અમે રિઝર્વ બેન્ક, સેબી અને બીજી સંબંધિત સંસ્થાઓ સાથે વાતચીત કરી હતી.
તેમણે કહ્યું કે ૨૦૦૮માં નાણાકીય સ્થિરતા તથા વિકાસ પરિષદની બેઠક બોલાવાઈ હતી અને સમાધાન કાઢવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ફ્રેન્કલિન ટેમ્પલટન મ્યુચ્યુઅલ ફંડે સ્વૈચ્છાએ પોતાની છ લોન યોજનાઓને બંધ કરી દીધી છે. તેણે શુક્રવારે કહ્યું કે આ નિર્ણય વિશે સેબી સાથે ચર્ચા કરી હતી અને રોકાણકારોની રકમ સુરક્ષિત કરવાના નિર્ણયને મૂડી બજાર નિયામકે ઔચિત્યપૂર્ણ મનાયું છે.
ફ્રેન્કલિન ટેમ્પલટને કહ્યું કે રોકાણકારોને પોતાના પૈસા પાછા લાવવા માટે અમુક મહિના સુધી રાહ જોવી પડશે. બંધ થનારા છ ફંડમાં ફ્રેન્કલિન ઈન્ડિયા લૉ ડ્યુરેશન ફંડ, ફ્રેન્ડલિન ઈન્ડિયા ડાયનેમિક એક્યૂરલ ફંડ, ફ્રેન્કલિન ઇન્ડિયા ક્રેડિટ રિસ્ક ફંડ, ફ્રેન્કલિન ઈન્ડિયા શોર્ટ ટર્મ ઈનકમ પ્લાન, ફ્રેન્કલિન ઈન્ડિયા અલ્ટ્રા શોર્ટ બોન્ડ ફંડ અને ફ્રેન્કલિન ઈન્ડિયા ઈનકમ ઓપોર્ચ્યુનિટી ફંડ સામેલ છે.