મોસ્કો,તા. ૪
ફીફા વર્લ્ડ કપની શરૂઆત પહેલા હાલમાં ફ્રેન્ડલી મેચ અભ્યાસ મેચનો દોર ચાલી રહ્યો છે. જેના ભાગરૂપે રમાયેલી મેચમાં વર્તમાન ફીફા ચેમ્પિયન જર્મનીની ઓસ્ટ્રિયા સામે હાર થઇ હતી. શરૂઆતમાં મેસિત ઓઝિલના ગોલના કારણે એક શુન્યની લીડ મેળવી લીધા બાદ જર્મની તરફથી છેલ્લા સુધી કોઇ ખેલાડી ગોલ કરી શક્યા ન હતા. ઓસ્ટ્રિયા તરફથી બે ગોલ કરવામાં આવ્યા હતા. બંને ગોલ બીજા હાફમાં કરવામાં આવ્યા હતા. જર્મનીને સ્પર્ધાની શરૂઆત પહેલા હારનો સામનો કરવો પડતા ચાહકોમાં નિરાશા ફેલાઇ ગઇ હતી. કારણ કે તે આ વખતે પણ હોટફેવરીટ છે. ગોલકિપર મૈનુઅલ નોયરની વાપસી થઇ હોવા છતાં ટીમ હારથી બચી શકી ન હતી. જર્મનીના ખેલાડી રંગમાં નજરે પડ્યા ન હતા. બીજી બાજુ એક અન્ય ફ્રેન્ડલી મેચમાં બેલ્જિયમ અને પોર્ટુગલની મેચ કોઇ પણ ગોલ વગર ડ્રો રહી હતી. આ મેચમાં પોર્ટુગલના સ્ટાર ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડો રમ્યો ન હતો. જ્યારે બીજી બાજુ બેલ્જિયમના સ્ટાર ખેલાડી ઇડન હેજારડ્‌, રોમેલુ લુકાકુ અને કેવિન ડી બ્રુને પણ ગોલ કરવામાં સફળ રહ્યા ન હતા. પોર્ટુગલની ટીમ ૧૫મી જુનના દિવસે તેની પ્રથમ મેચમાં સ્પેનની સામે રમીને ફીફા વર્લ્ડ કપમાં પોતાની ઝુંબેશની શરૂઆત કરશે. રિયલ મેડ્રીડની સાથે ચેમ્પિયન લીગ જીત્યા બાદ રોનાલ્ડો હજુ ટીમ સાથે જોડાયો નથી. અન્ય એક મેચમાં મેક્સિકોની સ્કોટલેન્ડ પર જીત થઇ હતી. મેક્સિકોએ મેચમાં જોરદાર શરૂઆત કરી હતી.