જામનગર, તા.૧૮
જામનગરમાં મોહનનગર નજીક આવાસ કોલોની વિસ્તારમાં રહેતા એક યુવાને પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઇ પોતાની જિંદગીનો અંત લાવી દીધો છે. એક યુવતી સાથે મિત્રતા કેળવ્યા પછી તેની સાથે ઝઘડો થતાં યુવતીના ટેન્શનમાં આવી જઇ આત્મહત્યાનું પગલું ભરી લીધું હોવાનું પોલીસમાં જાહેર થયો છે.
આ ચકચારી બનાવની વિગત એવી છે કે જામનગરમાં નવા આવાસના બ્લોક નંબર બી-૧૪માં રહેતા અને એક ટ્રકમાં કામ કરતા દિવ્યેશ ગીરીશભાઈ ચૌહાણ નામના ૩૦ વર્ષના યુવાને પોતાના ઘેર ગળાફાંસા દ્વારા આત્મહત્યા કરી લઈ પોતાની જિંદગીનો અંત લાવી દીધો હતો.
આ બનાવ અંગે મૃતકના નાનાભાઈ પ્રતિક ગીરીશભાઈ ચૌહાણે પોલીસને જાણ કરતાં સીટી-એ ડિવીઝન પોલીસે મૃતદેહનો કબ્જો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે.
મૃતકના નાનાભાઈ દ્વારા જાહેર કરાયા અનુસાર ભોગ બનનાર દિવ્યેશ કે જે થોડા સમયથી એક યુવતી સાથે મિત્રતા કેળવતો હતો, જે યુવતી સાથે તાજેતરમાં જ ઝઘડો થયો હતો. જેના કારણે પોતે ટેન્શનમાં આવી ગયો હતો. અને તે કારણોસર જ ગળાફાંસા દ્વારા પોતાનો જીવ દઇ દીધો હોવાનું જણાવાયું હતું. સીટી એ ડીવીઝન પોલીસે મૃતક યુવાનના મોબાઇલ ફોનની કોલ ડીટેઇલના આધારે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.