(એજન્સી) તા.ર૮
ઉડાન ભરનારાઓ માટેની કોરોના વાયરસ સંબંધિત અદ્યતન માર્ગદર્શિકામાં, કેન્દ્રએ એરલાઈન્સને પ્રી-પેકડ નાસ્તો, ભોજન અને પીણા પીરસવાની મંજૂરી આપી દીધી છે. સ્થાનિક અને ઘરેલુ ફલાઈટસમાં ઉપર જણાવેલ ખાદ્ય સામગ્રી પીરસવામાં આવશે અને આંતરરાષ્ટ્રીય ફલાઈટસમાં ગરમ ભોજન પીરસવાની મંજૂરી અપાઈ છે. આ ઉપરાંત જે મુસાફરો માસ્ક પહેરવાનો ઈન્કાર કરશે તેમને ‘નો ફલાય’ યાદીમાં મૂકી દેવાશે. ઉડ્ડયન નિયમનકાર ડીજીસીએના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે એરલાઈન અને તેના સભ્યો (કેબીન ક્રૂ)ને હાલના ડીજીસીએ નિયમો હેઠળ આ અંગે કાર્યવાહી કરવા પૂરતા પ્રમાણમાં અધિકાર અપાયા છે સ્થાનિક અને ઘરેલુ ફલાઈટસમાં ફલાઈટના મુસાફરી સમયગાળા આધારે એરલાઈન્સ પ્રિ-પેકડ નાસ્તો, ભોજન અને પ્રિ-પેકડ પીણા પ્રદાન કરી શકશે. ગુરૂવારે નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા જારી કરેલા આદેશ મુજબ એરલાઈન્સ અને ચાર્ટર્ડ ફલાઈટ એપારેટરો, આંતરરાષ્ટ્રીય ફલાઈટસમાં માનક પ્રથાઓ મુજબ મુસાફરોને ગરમ ભોજન અને મર્યાદિત પીણા આપી શકશે. કોરોના વાયરસ મહામારીના કારણે ઘરેલું ફલાઈટસમાં સાવચેતી પગલાં તરીકે રપ મેએ તેમના ફરી શરૂ થયા પછી ઈન-ફલાઈટ ભોજન સેવાઓને મંજૂરી અપાઈ ન હતી. આંતરરાષ્ટ્રીય ફલાઈટસમાં મુસાફરી સમયગાળાના આધારે મે મહિનાથી ફકત પ્રિ-પેકડ ઠંડું ભોજન અને નાસ્તો પીરસવામાં આવતો હતો. વધુ વિગતો પૂરી પાડતા મંત્રાલયે કહ્યું કે ફકત એક વખત ઉપયોગી, નિકાલ લાયક ટ્રે, થાળીઓ અને કટલરીનો ઉપયોગ ભોજન અને પીણા પીરસવામાં કરાશે, જે બન્ને તરીકેની ફલાઈટસ પર લાગુ પડે છે. દરેક ભોજન અથવા પીણાની સેવા પુરી પાડતી વખતે ફલાઈટના સ્ટાફ/ક્રૂએ હેન્ડ ગ્લોઝની નવી જોડી પહેરવાની અને બદલવાની રહેશે. ભોજન ઉપરાંત, ડીજીસીએએ ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય ફલાઈટસ બન્નેમાં, ઈન-ફલાઈટ મનોરંજન સ્સ્ટિમનો ઉપયોગ કરવાની પરવાનગી આપી છે. નિકાલ લાયક ઈયર ફોન્સ અને જીવાણુનાસક હેડફોન્સ મુસાફરીની શરૂઆતમાં યાત્રીઓને આપવામાં આવશે. માર્ચ ર૩થી અત્યાર સુધી ભારતમાં આંતરરાષ્ટ્રીય મુસાફર ફલાઈટસનું સ્થગિત રહેવાનું સતત ચાલુ રહ્યું છે. જો કે વિવિધ દેશો વચ્ચે ‘વન્દે ભારત મિશન’ અને દ્વિપક્ષીય એર બબલ વ્યવસ્થા સંબંધિત કરાયેલા કરાર હેઠળ ખાસ આંતરરાષ્ટ્રીય ફલાઈટસનું સંચાલન થઈ રહ્યું છે. આ મહામારીના ચાલતા ઘરેલુ અને સ્થાનિક ફલાઈટસ મેની રપ તારીખથી બે મહિનાના અંતર પછી ફરી શરૂ થઈ ગઈ હતી. જો કે એરલાઈન્સને પૂર્વ-કોવિડની સરખામણીમાં તેની ૪પ ટકા સ્થાનિક ફલાઈટસ ચલાવવાની મંજુરી છે.