અમદાવાદ, તા.૯
શહેરના ગોમતીપુર વોર્ડમાં લાલ મિલ ચાર રસ્તા પાસે આવેલ આવાસ યોજનાના દસ માળના ફ્લેટના છઠ્ઠા માળેથી ૧૭ વર્ષની યુવતી ધડાકાભેર નીચે પટકાતા ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ આવાસોની ગેલેરી ખૂબ નાની હોવાથી ત્યાં જાળી લગાવવા સ્થાનિક કાઉન્સિલરે અગાઉ રજૂઆત કરી હોવા છતાં તંત્ર દ્વારા આંખ આડા કાન કરાતા આ દુર્ઘટના ઘટી હતી. બનાવની પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે ૮ વાગ્યાની આસપાસ ગોમતીપુર લાલ મિલ ચાર રસ્તા પાસેના ઈડબ્લ્યુએસ ૧૦ માળના મકાનો (ફ્લેટ)માં છઠ્ઠા માળેથી ફિઝાબાનુ મોહમ્મદ નિસાર અન્સારી (ઉ.વ.૧૭) ધડાકાભેર નીચે પાર્કિંગ બાજુ પડી ગઈ હતી જેને ગંભીર હાલતમાં તત્કાળ ૧૦૮ દ્વારા હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જ્યાં તે જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે. આ બનાવના સંદર્ભે ગોમતીપુર પોલીસ તપાસ કરી રહી છે. આ અંગે સ્થાનિક મ્યુનિ. કાઉન્સિલર ઈકબાલ શેખે જણાવ્યું કે, જ્યારે આ ફ્લેટો બનતા હતા એ જ સમયે ઝોનના ડે.મ્યુ.કમિશનરને ૧૦ માળિયામાં તમામ ગેલેરીઓમાં જાળી લગાવવા માટે અમે સૂચનો કર્યા હતા જેથી કોઈપણ રહીશોના નાના બાળકો કે કોઈ પણ વ્યક્તિ પડે નહીં અને આવો ગંભીર બનાવ ના બને પરંતુ અમારી રજૂઆતોને આંખ આડા કાન કરી જવાબદાર અધિકારીઓ દ્વારા મનફાવે તેવી ડિઝાઈન અને બેદરકારી મુજબનું કામ કરી કોન્ટ્રાક્ટરોએ ખૂબ જ બેદરકારી દાખવતા લોકો ભયભીત હાલતમાં વસવાટ કરી રહ્યા છે. મ્યુનિ. કમિશનરને વિનંતી કરતાં તેમણે જણાવ્યું છે કે, શહેરમાં જેટલા પણ ગરીબ આવાસ અને ઈડબ્લ્યુએસ બહુમાળી ફલેટો બનાવ્યા છે ત્યાં આવા બનાવો ના બને તે દિશામાં માનવતાના ધોરણે કાર્ય કરવું જોઈએ જેથી કોઈ ગરીબના ભૂલકાઓનો જીવ બચી જાય.