(એજન્સી) મિનિઆપોલીસ, તા.૪
અમેરિકામાં અશ્વેત નાગરિક જ્યોર્જ ફ્લોઈડની હત્યા મામલે ચાર પોલીસ અધિકારીઓ સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગઈકાલે જારી કરવામાં આવેલ ક્રિમિનલ કમ્પ્લેન અનુસાર તમામને ૪૦ વર્ષની કેદની સજા થશે. સમગ્ર અમેરિકામાં પ્રદર્શન બાદ દસ દિવસ વિલંબથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મિનેસોટાના એટર્ની જનરલ કેથ એલિસને જણાવ્યું હતું કે જ્યોર્જ ફ્લોઈડ મહત્ત્વ રાખે છે. તેને પ્રેમ છે. તેનો પરિવાર મહત્ત્વનો છે. તેનું જીવન મહત્ત્વ ધરાવે છે. અમે તેની માટે અને તમારી માટે ન્યાયની માગણી કરીશું. અમે ન્યાય મેળવીશું. જ્યોર્જ ફ્લોઈડનું ગળું ઘૂંટણથી દબાવી તેનું મોત નિપજાવનાર ૪૪ વર્ષીય પોલીસ અધિકારી ડેરેક ઓવિન સામે થર્ડ ડિગ્રી હત્યાનો ગુનો નોંધાશે. જ્યારે અન્ય ત્રણ અધિકારી થોમસ લેન, ટોઉ થાઓ અને જે.એલેકન્ઝાન્ડર ક્યુએન્ગ સામે હત્યામાં સહાયનો સેકન્ડ ડિગ્રી મર્ડર ચાર્જ નોંધાશે. આ ગુના હેઠળ પણ મહત્તમ ૪૦ વર્ષની કેદની સજાની જોગવાઈ છે. તમામને એક મિલિયન ડોલરના બોન્ડ સામે જામીનની તૈયારી કરાઈ હતી.