મિયામી,તા.૨૪
અમેરિકાના ફ્લોરિડા રાજ્યમાં એક બંદૂકધારી હુમલાખોરે એક બેન્કમાં પહોંચી જઈને ગોળીઓ વરસાવી હતી, જેમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં છે. અહેવાલો અનુસાર, ફ્લોરિડાના સેબરિંગ સ્થિત એક બેન્કમાં બંદૂકધારી હુમલાખોરે ઓચિંતો હુમલો કરી દીધો હતો અને અંધાધૂંધ ગોળીઓ વરસાવી હતી. પાંચ લોકોની હત્યા કર્યા બાદ આ હુમલાખોરે સ્વોટ ટીમ સામે સરેન્ડર પણ કરી દીધું હતું.
સેબરિંગ પોલીસના ચીફ કાર્લ હોગલુંડે પત્રકારોને જણાવ્યું હતું કે, બંદૂકધારી હુમલાખોર હથિયાર સાથે બેન્કમાં ઘૂસી ગયો હતો અને તેણે ત્યાં હાજર લોકો પર આડેધડ ગોળીઓ વરસાવી હતી. અમને ખૂબ અફસોસ છે કે, આ હુમલામાં પાંચ લોકોનાં મોત થયાં છે. સુરક્ષા દળના જવાનો જ્યારે બેન્કમાં પ્રવેશ્યા ત્યારે હુમલાખોરે આત્મસમર્પણ કરી દીધું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, ૨૧ વર્ષીય હુમલાખોર સેબરિંગનો જ રહેવાસી છે અને તેનું નામ જેફેન જેવેર છે. તેણે બેન્કમાં જઈને ફાયરિંગ કેમ કર્યું અને લોકોની હત્યા કેમ કરી તેના કારણો હજુ સુધી સ્પષ્ટ થઈ શક્યાં નથી. પોલીસ હાલ ઘટનાસ્થળે જઈને સાક્ષીઓના નિવેદન લઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હુમલાખોર જેફેન સાલ્ટ લેક સિટીમાં આવેલી સ્ટિવન્સ-હેનેગર કોલેજનો ઓનલાઈન વિદ્યાર્થી હતો. તેણે સપ્ટેમ્બર, ૨૦૧૮માં કોલેજમાં એડમિશન લીધું હતું અને કોઈ કારણસર ડિસેમ્બર મહિનામાં અભ્યાસ છોડી દીધો હતો.
એફબીઆઈનું એક મોબાઈલ કમાન્ડ યુનિટ હાલ ઘટનાની તપાસ કરી રહ્યું છે. ફ્લોરિડાના ગવર્નર રોન ડી સેન્ટિસે જણાવ્યું હતું કે, અપરાધી સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સેન્ટ્રલ ફ્લોરિડામાં આવેલો સેબરિંગ વિસ્તાર ઘણો સમૃદ્ધ ગણાય છે.