(એજન્સી) કોલકાતા,તા.૧૮
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ગત સોમવારે ગલવાન ખીણમાં ચીન સેના સાથેની અથડામણમાં માર્યા ગયેલા તેમના રાજયના જવાનના પરિવાર માટે રૂા.પાંચ લાખ રોકડા તથા સરકારી નોકરીની જાહેરાત કરી હતી. આ અથડામણમાં માર્યા ગયેલા ર૦ સૈનિકોમાં બિરભૂમના રાજેશ ઔરંગ તથા અલીપુર દોરના બિપુલ રોયનો સમાવેશ થાય છે. મમતા બેનરજીએ જણાવ્યું હતું કે ગલવાન ખીણમાં શહીદ થયેલા લોકોના પરિવારજનો સાથે મારી સહાનુભૂતિ છે. મને એ જણાવતા ખુબ દુઃખ થાય છે કે આ શહીદોમાં બે જવાન પશ્ચિમ બંગાળના હતા આ જવાનોની કુરબાનીની કોઈ કિંમત નથી. રાષ્ટ્રએ અને તેમના કુટુંબે જે ગુમાવ્યું છે તેની ભરપાઈ થઈ શકે તેમ નથી સંકટના આ સમયમાં અમે માતૃભૂમિના વીરો સાથે ઉભા છે. અમે પીડિત કુટુંબ માટે રૂા. પાંચ લાખ અને સરકારી નોકરીની ઘોષણા કરીએ છીએ.