(એજન્સી) તા.૨૪
કેન્દ્ર સરકાર સાથે કોવીડ-૧૯ સબંધિત હેલ્થ કેર બાબતે મતભેદો અને રાજ્યના નાણાકીય મતભેદોના મામલે પ.બંગાળનો જોરદાર બચાવ કરતાં રાજ્યના નાણા પ્રધાન અમિત મિત્રાએ જણાવ્યું છે કે, પ.બંગાળ સંઘીય સિદ્ધાંતોની વિરૂદ્ધ કોઇપણ બાબતનો સ્વીકાર કરશે નહીં. પ.બંગાળનો અવાજ ગુંગળાવીને દબાવી શકાશે નહીં.
ધ વાયર માટે કરણ થાપર સાથેની ૫૦ મિનિટની મુલાકાતમાં ડૉ.મિત્રાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સાથે પરામર્શ કર્યા વગર મારા રાજ્યમાં બે ઇન્ટર મિનિસ્ટરીયલ સેન્ટ્રલ ટીમ મોકલવાનો નિર્ણય પ્રોટોકલના ભંગ સમાન છે કારણ કે, આ નિર્ણય સંઘીય રાજનીતિમાં જરૂરી સહકારની ભાવનાને સુસંગત નથી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વિડિયો કોન્ફરન્સમાં મમતા બેનરજી દ્વારા સૌજન્યપૂર્ણ સહકાર દાખવવામા ંઆવ્યાં બાદ કેન્દ્રીય ટીમોને મોકલવાના નિર્ણયની જાણ કરવી તે અવિવેક છે. મિત્રાએ જણાવ્યું હતું કે, કાલિમપોંગ અને જલપાઇગુડી જેવા જિલ્લાઓ કેમ પસંદ કરવામાં આવ્યાં છે તે રાજ્ય સરકારની સમજની બહાર છે. ત્યાં કેસોની સંખ્યા કે સંખ્યામાં વધારો જોવા મળ્યો નથી. પ.બંગાળ કરતા ગુજરાતમાં કોરોનાના કેસોની સંખ્યા વધુ છે તેમ છતાં ગુજરાતમાં કેન્દ્રીય ટીમ મોકલવામાં આવતી નથી. પ.બંગાળમાં પૂરતા પ્રમાણમાં ટેસ્ટીંગ કરવામાં આવતું નથી એવા પ્રશ્નના જવાબમાં મિત્રાએ જણાવ્યું હતું કે, રાજ્યને શરૂઆતમાં જે કીટ્‌સ મળી હતી તે દોષયુક્ત હતી તેથી ટેસ્ટીંગ કરી શકાયું ન હતું. તેણે બપોર સુધી મીઠાઇઓ અને ફુલોની દુકાનો ખુલ્લી રાખવાના રાજય સરકારના નિર્ણયનો બચાવ કર્યો હતો. મીઠાઇ અને ફુલો બંગાળી સંસ્કૃતિના ભાગરૂપ છે. પ.બંગાળના કેન્દ્ર સાથે નાણાકીય મતભેદો અંગે વાત કરતાં મિત્રાએ જણાવ્યું હતું કે, તેમણે કેન્દ્રીય નાણા પ્રધાનને ૮ પત્રો લખ્યાં હતા, પરંતુ કોઇ પત્રનો જવાબ મળ્યો નથી. રાજ્યની પાંચ વિનંતીમાંથી માત્ર એક વિનંતીનો આંશિક સ્વીકાર કરવામાં આવ્યો છે.