(એજન્સી) કોલકાતા,તા. ૩૦
પશ્ચિમ બંગાળમાં કેટલાંક ભાગોમાં રામનવમી પર જુલુસ દરમિયાન ભડકેલી હિંસા થમવાનું નામ નથી લઇ રહેલી. આ હિંસામાં હાલ સુધીમાં ચાર લોકોની હત્યા થઈ ચૂકી છે.
સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક વૃદ્ધ મુસ્લિમ દંપતિને બળજબરીપૂર્વક ‘જય શ્રી રામ’ બોલાવવમાં આવી રહ્યું છે. સાંપ્રદાયિક સોહાર્દને ખરાબ કરનાર આ આપત્તિજનક વીડિયોમાં વૃદ્ધ મુસ્લિમ દંપતિ કહી રહ્યા છે કે, તેઓ અંધ છે અને સારી રીતે ચાલી પણ નથી શકતા. તેમની આ વાત સાંભળીને કથિત હિન્દુ કટ્ટરવાદી ગુંડાઓ તેમની વિકલાંગતાનો મજાક ઉડાવે છે. આ દરમિયાન એ શખ્સ કહે છે કે, તમે જોઈ નથી શકતા, “જય શ્રી રામ’’ બોલવા માટે તમને તમારી આંખોનો ઉપયોગ કરવાની જરૂર નથી, મોઢાથી કહો.
આ દરમિયાન વૃદ્ધ મુસ્લિમ વ્યક્તિએ કહ્યું કે, હિન્દુ અને મુસ્લિમોમાં કોઈ અંતર નથી, તેમણે કહ્યું કે, ભગવાન અને અલ્લાહ એક સમાન છે તેમ છતાં પણ કથિત હિન્દુ કટ્ટરવાદી ગુંડાઓએ વૃદ્ધ દંપતિને મારવાની ધમકી આપી, ત્યારબાદ વૃદ્ધ વ્યક્તિ ડરી જાય છે અને તેમના દબાણમાં આવીને ‘જય શ્રી રામ’ બોલે છે.
નોંધનીય છે કે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, આ વૃદ્ધ મુસ્લિમ દંપતિ પાસે એક હાથમાં થેલો અને બીજા હાથમાં એક વાસણ છે, જેને જોઈને લાગે છે કે, તેઓ ભિખારી છે.
આ ઘટના ક્યારની છે એની નિશ્ચત કોઈ તારીખ નથી ખબર પણ આ વીડિયો પશ્ચિમ બંગાળનો છે.