(એજન્સી) કોલકાતા, તા.૧૬
પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રમુખ અમિતશાહના રોડ શોમાં થયેલી હિંસાનો મામલો વેગ પકડી રહ્યો છે. ચૂંટણી પંચે રેલીઓ અને સભાઓ દ્વારા ચૂંટણી પ્રચાર પર આજે ગુરૂવારે રાત્રે ૧૦ વાગ્યાથી પ્રતિબંધ લાદી દીધો છે. ચૂંટણી પંચના આ પગલાને તૃણમૂલ કોંગ્રેસના વડા મમતા બેનરજીએ ભાજપનું દબાણ ગણાવ્યું છે. મમતા બેનરજીએ બંગાળ મામલામાં સમર્થન આપવા બદલ અન્ય પક્ષોના નેતાઓનો આભાર માન્યો છે અને કહ્યું કે ‘માયાવતી, અખિલેશ યાદવ, કોંગ્રેસ, ચંદ્રાબાબુ નાયડુ અને બાકીના બધા લોકોને અમારૂં અને બંગાળના લોકોનું સમર્થન કરવા બદલ આભાર. ભાજપના દબાણમાં ચૂંટણી પંચે લીધેલો પક્ષપાતી નિર્ણય લોકતંત્ર પર સીધો હુમલો છે. જનતા આનો જડબાતોડ જવાબ આપશે.’ બંગાળમાં ચૂંટણી પંચના નિર્ણય અંગે સમગ્ર વિપક્ષ સંગઠિત થઇ ગયો છે. જ્યારે બંગાળમાં બેન લગાવવાના ચૂંટણી પંચના પગલા પર બસપાના વડા માયાવાતીએ જણાવ્યું કે બંગાળમાં પીએમ મોદીની બે રેલીઓ છે, પ્રચાર સામે સવારથી પ્રતિબંધ શા માટે લાદવામાં ન આવ્યો ? ચૂંટણી પંચ દબાણમાં કામ કરી રહ્યું છે. વડાપ્રધાનની દિવસમાં બે રેલીઓ હોવાથી બંગાળમાં ચૂંટણી પ્રચાર સામે ગુરૂવારે રાત્રે ૧૦ વાગ્યાથી પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ચૂંટણી પંચનો આ નિર્ણય પક્ષપાતી છે.