(એજન્સી) કોલકાતા, તા.૧૯
કલકત્તા હાઇકોર્ટે આજે જણાવ્યું હતું કે દુર્ગા પૂજાના મંડપો શ્રદ્ધાળુઓ માટે “પ્રવેશ બંધ” ક્ષેત્ર હશે. કોર્ટે કહ્યું કે મંડપની અંદર ફક્ત આયોજકોને જ રહેવાની પરવાનગી આપવામાં આવશે. કોરોના મહામારીને ધ્યાનમાં લઇ મોટા મંડપો માટે આ સંખ્યા ૨૫ અને નાના મંડપો માટે ૧૫ વ્યક્તિઓની હશે. કલકત્તા હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે કહ્યું કે બધા જ મોટા મંડપોથી ૧૦ મીટર દૂર બેરીકેડ મુકવાના રહેશે જ્યારે નાના મંડપોમાં આ દુરી ૫ મીટરની હશે. લોકોના સ્વાસ્થ્યને મહત્ત્વપૂર્ણ ગણાવતા કોર્ટે કહ્યું કે કોલકતામાં એટલી પોલીસ નથી કે જેઓ ૩૦૦૦ મંડપો ઉપર નિયંત્રણ રાખી શકે. ગયા મહિને મુખ્યમંત્રી મમતા બેનર્જીએ જાહેરાત કરી હતી કે કોરોના વાયરસના લીધે આ વર્ષે પૂજાનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવશે. એમણે વિપક્ષોનું નામ આપ્યા સિવાય કહ્યું હતું કે અમે આ વર્ષે દુર્ગા પૂજાનો કાર્યક્રમ ગોઠવીશું તો અમને ભીડ ઓછી કરવી પડશે અન્યથા લોકો અમારા ઉપર આક્ષેપો કરવા તૈયાર બેઠા છે. અને જો અમે પૂજાની પરવાનગી નહિ આપીએ અથવા પૂજા પછી જો રોગચાળો વધુ ફેલાશે તો પણ અમારા ઉપર દોષ મુકશે એમની તો કોઈ જવાબદારી નથી. છેલ્લા કેટલાક અઠવાડિયાઓથી શહેરમાં કોરોના વાયરસ વધી રહ્યો છે. લોકોએ બજારોમાં ભીડ કરવી શરૂ કરી છે. લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જાણે કે ભૂલી જ ગયા છે. સ્વાસ્થ્ય નિરીક્ષકો આ પરિસ્થિતિથી ચિંતિત છે. એમને ભય છે કે રાજ્યમાં કોરોનાનો બીજો દોર શરૂ થઇ શકે છે.