(એજન્સી) કોલકાતા, તા.પ
પશ્ચિમ બંગાળમાં મંદિરની અંદર માંસ ફેંકવાની અફવાને પગલે શુક્રવારે ઉત્તરી ર૪ પરગણા જિલ્લાના દત્તાપુરના ચલતબરિઆમાં તણાવની સ્થિતિના અહેવાલ મળ્યા છે. અહેવાલ મુજબ ચલતબારિઆ સ્થિત મંદિરમાં માંસ ફેંકાયું હોવાની અફવાને પગલે વિસ્તારમાં તણાવ ફેલાયો હતો. ત્યારબાદ ગુસ્સે ભરાયેલા લોકો સડક પર ઉતરી આવી સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા. જો કે, કોઈપણ પ્રકારની હિંસાનો બનાવ બન્યો ન હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. ઘટનાસ્થળ પર તરત જ રેપિડ એકશન ફોર્સ (આરએએફ)ના જવાનો તૈનાત કરી દેવામાં આવ્યા હતા અને વિસ્તારમાં કરફયુ લાદી દેવાયો હતો. અહેવાલ મુજબ અત્યાર સુધી કોઈપણ વ્યક્તિની ધરપકડ કરી શકાય નહીં. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ચલતબારિઆ વિસ્તારમાં સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણ હેઠળ છે અને વિસ્તારમાં શાંતિ પુનઃ સ્થાપિત થઈ છે. જો કે, અધિકારીઓ દ્વારા મંદિરમાં માંસ ફેંકાયું હતું કે કેમ તે એક માત્ર અફવા હતી એ અંગે પુષ્ટિ કરવામાં આવી નથી. મુખ્યમંત્રી મમતા બેનરજીએ આ અગાઉ હોળી પર્વ નિમિત્તે ઉત્તરી ર૪ પરગણા અને બાંગ્લાદેશ સાથે જોડાયેલ જિલ્લાઓની સરહદોને સંવેદનશીલ ઠેરવતા પોલીસને હાઈએલર્ટ રહેવા જણાવ્યું હતું.