(એજન્સી) કોલકાતા, તા. ૨૪
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ બુધવારે બોલાવાયેલી ઓલ પાર્ટી બેઠક બાદ જણાવ્યું હતું કે, તેમની સરકાર જુલાઇ માસમાં પણ કોરોના વાયરસ વિરૂદ્ધ લોકડાઉન ચાલુ રાખશે. તેમણે જણાવ્યું હતું કે, લોકડાઉન ૩૧મી જુલાઇ સુધી ચાલુ રહેશે. મમતા બેનરજીએ બેઠકના અંતમાં જણાવ્યું હતું કે, લોકડાઉન અંગે વિવિધ પાર્ટીઓના જુદા-જુદા મતો છે. પરંતુ સરકાર કોરોના વાયરસનું સંક્રમણ રોકવા માટે રાહતો સાથેના લોકડાઉનને ચાલુ રાખવા માગે છે. ત્રણ કલાક ચાલેલી સર્વપક્ષીય બેઠકના અંતે મમતા બેનરજીએ કહ્યું કે, કોરોના વાયરસની મુશ્કેલી વધી રહી છે, ચાલો ૩૧મી જુલાઇ સુધી અંકુશો સાથે લોકડાઉન આગળ વધારવાની કોશિશ કરીએ. બંગાળમાં બુધવારે કોરોના વાયરસના ૪૪૫ નવા કેસો આવ્યા હતા જે સાથે જ અહીં કુલ આંકડો ૧૫,૧૭૩ પર પહોંચી ગયો છે. આ બેઠકમાં વધુ એક ચાવીરૂપ નિર્ણય એ લેવાયો હતો કે, કોરોના વાયરસ વિનાના દર્દીઓની સેવામાં વધારો કરવામાં આવશે. રાજકીય પાર્ટીઓ સહમત થઇ હતી કે, હોસ્પિટલોમાં સારવાર માટે કોરોના વિનાના દર્દીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. મમતા બેનરજીએ કહ્યું કે આ મુદ્દાનો ઉકેલ લાવવો પડશે અને પ્રાઇવેટ હોસ્પિટલો પર ભાર મુકાશે. સારવારની ટોચની કિંમતો ઘણી વધુ છે. ત્યારે મમતા બેનરજીએ કહ્યું કે, મહારાષ્ટ્ર અને દિલ્હીની જેમ આપણે પણ ટોચની સારવારની કિંમતો નક્કી કરવી જોઇએ. પ્રાઇવેટ હોસ્પિટલો માટે મુખ્ય સચિવ એક દિશાનિર્દેશ બહાર પાડશે. મમતા બેનરજીએ કહ્યું કે, તમામ પક્ષો આ અંગે માગ કરી રહ્યા હતા. આ બિઝનેસ કરવાનો સમય નથી. આ રોગચાળો છે અને હોસ્પિટલોએ સેવાની ભાવના સાથે કામ કરવું પડશે. ચર્ચામાં સામે આવેલા અમ્ફાન તોફાન અંગે ડાબેરી વિપક્ષી નેતાઓએ રાહત આપવામાં ભ્રષ્ટાચાર અને સગાવાદ નહીં ચાલે તેવા મમતા બેનરજીના આકરા સંદેશને પોતાની જીત ગણાવી હતી.