(એજન્સી) નવી દિલ્હી, તા.૨૪
પશ્ચિમ બંગાળ સરકાર ધોરણ ૧૨ના ૯.૫ લાખ વિદ્યાર્થીઓને ફોન અને ટેબ્લેટ ખરીદવા માટે રૂા. દસ હજાર આપશે. વિદ્યાર્થીઓના બેંક ખાતામાં આ રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. સરકારી શાળાઓ અને મદ્રેસાઓના વિદ્યાર્થીઓને આ લાભ મળશે. ગત ત્રીજી ડિસેમ્બરના રોજ મમતાએ જાહેરાત કરી હતી કે, તેમની સરકાર રાજ્યની સરકારી તેમજ સરકારી સહાય પ્રાપ્ત ૧૪૦૦૦ શાળાઓ તેમજ ૬૩૬ મદ્રેસાઓના વિદ્યાર્થીઓ વચ્ચે ટેબ્લેટની વહેંચણી કરશે. સરકારની આ જાહેરાતને પગલે વિદ્યાર્થીઓેના બેન્ક ખાતામાં રૂા. દસ હજાર ટ્રાન્સફર કરવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ ચાલુ રાખવા સ્માર્ટ ફોન તેમજ ટેબ્લેટ ખરીદી શકે. અમે ટેન્ડર જારી કરવાનું વિચાર્યું હતું પણ અમને કહેવામાં આવ્યું હતું કે, આપણે વધુમાં વધુ ૧.૫ લાખ ટેબ્લેટ મેળવી શકીશું. કેન્દ્ર સરકારે અમને ચીનની બનાવટના ઉત્પાદનો નહીં ખરીદવાનું કહેતાં અમારી પાસે અમુક જ બ્રાન્ડ ઉપલબ્ધ હતી. જેથી આ ત્રણ સપ્તાહના સમયમાં અમે વિદ્યાર્થીઓના ખાતામાં સીધી રીતે નાણાં ટ્રાન્સફર કરવાનું નક્કી કર્યું હતું, એમ એક પત્રકાર પરિષદમાં રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું. બંગાળ સરકાર એ વાતની ખાતરી કરવા માંગે છે કે, જૂન માસમાં બોર્ડ પરીક્ષાઓના યોજવાની શકયતા છે ત્યારે વિદ્યાર્થીઓના હાથમાં લેટેસ્ટ ટેકનોલોજી પહોંચી જાય. એક સરકારી અધિકારીએ નામ નહીં આપવાની શરતે જણાવ્યું હતું કે, ચૂંટણી સમયમાં આ પ્રકારનું પગલું ટીએમસીને ફાયદો પહોંચાડી શકે છે. બંગાળમાં આગામી એપ્રિલ અથવા મે માસમાં ચૂંટણી યોજાઈ શકે છે. આ અગાઉ મમતાએ રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થાંમાં પણ ત્રણ ટકાના વધારાની જાહેરાત કરી હતી. ટેબ્લેટ વહેંચણીની જાહેરાત સમયે મમતા સરકાર દ્વારા મોંઘવારી ભથ્થાંમાં વધારા અંગે પણ ઘોષણા કરવામાં આવી હતી. કોરોના માટેના આરટી-પીસીઆર ટેસ્ટની કિંમત પણ રૂા.૧૨૫૦થી ઘટાડી રૂા.૯૫૦ કરવામાં આવી હતી.
બંગાળ સરકાર ધોરણ ૧૨ના ૯.૫ લાખ વિદ્યાર્થીઓેને ફોન અને ટેબ્લેટ ખરીદવા માટે રૂા. દસ હજાર આપશે

Recent Comments