પદ્માવત ફિલ્મ રિલીઝના વિરુદ્ધમાં અપાયેલા બંધ દરમિયાન તોડફોડની ઘટના ન બને તે માટે એસટી તંત્ર એલર્ટ ઉત્તર ગુજરાત સહિતના ખાસ રૂટો ઉપર  એસટી બસો બંધ જોવા મળી હતી. જેથી અમદાવાદ સહિત રાજ્યના મોટા મથકો વ્યસ્ત બસસ્ટેન્ડ પર મુસાફરોની પાંખી હાજરી જોવા મળી હતી. અને બસ સ્ટેન્ડ પર એસટી બસોનો ખડકલો જોવા મળ્યો હતો. બસ મથકો પર સઘન પોલીસ બંદોબસ્ત પણ જોવા મળ્યો છે. બસની માત્રા ઘટાડી દેવામાં આવતા મુસાફરો  મજબૂરીમાં ખાનગી વાહનોમાં મુસાફરી કરવા મજબૂર બન્યા હતા. સુરતમાં ફિલ્મના પદ્માવતના વિરોધને કારણે એસટી સેવા પર અસર થઈ. સુરતથી અમદાવાદની એસટી સેવા ચાલુ પરંતુ સુરતથી કચ્છ-ભુજ જતી બસો રદ થતા મુસાફરો અટવાયા હતા. વહેલી સવારથી મુસાફરો એસટી ડેપો પર પૂછપરછ કરતા જોવા મળ્યા હતા. એસટી વિભાગે અગમચેતીના ભાગરૂપે મહેસાણા, ભાવનગર જતી બસોને અટકાવી દેતા મુસાફરોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. સુરતથી કચ્છ-ભુજ જતી એસટી સેવાઓ સ્થગિત કરાતાં મુસાફરો અટવાઈ પડ્યા હતા. કેટલાક મુસાફરો પોતાની કન્ફર્મ ટીકીટ લઈ કચ્છ-ભુજ જવા માટે એસટી ડેપો પર આવ્યા હતા. પરંતુ અહીં તેમને બસો રદ થઈ હોવાની જાણ થઈ હતી. હાલાકી સામે મુસાફરોમાં રોષ જોવા મળ્યો. જ્યારે ઉત્તર ગુજરાતમાં અગાઉ બસોમાં તોડફોડ થઈ હોઈ મોટાભાગની બસો બંધ રખાઈ હતી. અરવલ્લી જિલ્લામાં બંધને કારણે એસટી બસના વ્યવહારને અસર થઈ હતી. એસટી બસો બંધ થતા મોડાસા-બાયડ ડેપોમાં મુસાફરો અટવાયા હતા. સુરક્ષાના કારણે તમામ બસ સેવા બંધ કરાઇ હતી.