(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૫
ચર્ચાસ્પદ હિન્દી ફિલ્મ “પદ્માવત”ના વિવાદને પગલે રાજ્યમાં બંધના એલાનને ભયના માહોલ વચ્ચે મિશ્ર પ્રતિસાદ સાંપડ્યો હતો. સરકાર દ્વારા રાજ્યમાં કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હોવા છતાં ખુદ સરકારના સર્વે સર્વા એવા મુખ્યમંત્રીને જ બંધના માહોલ વચ્ચે આજે એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે વિસનગર જવા હેલિકોપ્ટરનો ઉપયોગ કરવો પડ્યો હતો. પદ્માવત ફિલ્મના વિવાદને લઇને કરણી સેના દ્વારા અપાયેલા બંધના એલાનમાં ગુજરાતની કરણી સેના સાથે ન હોવાની જાહેરાત કર્યા બાદ પણ ગુજરાતમાં બંધને મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે, રાજ્યમાં કડક બંદોબસ્ત હોવા છતાં ત્યારે ગુજરાતના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી ગાંધીનગરથી માત્ર ૬૦ કિલોમીટરના અંતરે આવેલા વિસનગર ખાતેના કાર્યક્રમમાં જવા માટે સરકારી હેલિકોપ્ટરનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. ગાંધીનગરથી વિસનગર વચ્ચે આવતાં ગામોમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી પદ્માવતના વિવાદને પગલે એસટી બસોમાં તોડફોડની ઘટના બની હતી. ગઇકાલે બુધવારે સાંજે સરકાર સાથેની બેઠકમાં રાજપૂત સમાજના આગેવાનોએ બાંહેધરી આપી હતી કે, કરણી સેના બંધમાં નહીં જોડાય. છતાં કોઇ દુર્ઘટના કે તોડફોડ ન થાય તેની બીકે સીએમ અને ડે.સીએમએ વિસનગરના કાર્યક્રમમાં હેલિકોપ્ટરમાં જવાનું પસંદ કર્યું હતું. ગુજરાતમાં પદ્માવત ફિલ્મ રીલિઝ નહીં કરવા માટે થિયેટર્સ માલિકોએ કરેલાં નિર્ણય બાદ ગુજરાત સરકારે કરણી સેના સાથે બેઠક કરીને આજના બંધના એલાનમાં નહીં જોડાવવાની કરણી સેનાની જાહેરાત ગુજરાતમાં શાંતિ અને સુરક્ષાની વાતો કરી હતી. તેમ છતાં આજે ગુજરાતમાં મોટાભાગના શહેરોમાં બંધના એલાનની અસર જોવા મળી હતી. તે સંજોગોમાં આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલનો વિસનગર ખાતે સરકારી કાર્યક્રમ યોજાવવાનો હતો. આવા નજીકના કાર્યક્રમોમાં સામાન્ય રીતે વાહનો દ્વારા જતાં હોય છે. પરંતુ આજે બંધના એલાનના કારણે તેઓ હેલિકોપ્ટરમાં વિસનગર પહોંચ્યા હતા.જેના કારણમાં રાજ્યમાં છેલ્લા બે દિવસથી વિવિધ સ્થળો પર તોફાનો અને એસટી બસો પર પથ્થરમારાની ઘટનાઓ જે બનવા પામી હતી. તેના કારણે રાજ્યમાં ભયનો માહોલ ઊભો થવા પામ્યો હતો.