(એજન્સી) શ્રીનગર, તા.૩
આગામી પમી અને ૬ઠ્ઠી ઓગસ્ટે કાશ્મીરમાં પ્રથમ વખત ભારતના બંધારણના રક્ષણના સમર્થન માટે હડતાળનું એલાન અપાયું છે. અન્યથા કાશ્મીરમાં હંમેશ અલગતાવાદીઓ ભારતના બંધારણનું વિરોધ જ કરે છે અને હડતાળો પાડે છે. કાશ્મીરના ત્રણેય અલગતાવાદી સંગઠનો અને વેપાર-ધંધા, ઉદ્યોગ સાથે સંકળાયેલ બધા જ સંગઠનોએ બંધના એલાનને સમર્થન આપ્યું છે. સુપ્રીમ કોર્ટમાં બંધારણના અનુચ્છેદ ૩પ-એને હટાવવા માટે દાખલ થયેલ અરજી બાબત ૬ઠ્ઠી ઓગસ્ટે સુનાવણી થવાની છે. એ પહેલાં જ બધા જ લોકો અનુચ્છેદના રક્ષણની માગણી કરી રહ્યા છે. આ અનુચ્છેદ દ્વારા કાશ્મીરીઓને વિશેષ દરજ્જો મળે છે. જો એ અનુચ્છેદને રદ કરવામાં આવે તો એમનો વિશેષ દરજ્જો છીનવાઈ જાય. હડતાળને પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફતીએ પણ સમર્થન આપ્યું છે. એમણે કહ્યું કે, કાશ્મીરનો વિશેષ દરજ્જો આપતા અનુચ્છેદ સાથે જો છેડછાડ કરવામાં આવશે તો એના ગંભીર પરિણામો થશે. એમણે કહ્યું કે, અમને કોઈ પણ ભોગે અનુચ્છેદનું રક્ષણ કરવું છે. અનુચ્છેદ ૩પ-એ દ્વારા કાશ્મીરના નાગરિકોની ઓળખ ઊભી કરે છે. જેના થકી જ એમને કાશ્મીરમાં વસવાટ કરવાના અધિકારો મળે છે. ર૦૧૪ના વર્ષમાં આરએસએસ સમર્થિત એનજીઓ વીધ સિટીઝને અનુચ્છેદ ૩પ-એને પડકારતી જાહેરહિત અરજી કરી હતી. જેની સુનાવણી હવે ૬ઠ્ઠી ઓગસ્ટે શરૂ થઈ રહી છે. જો સુપ્રીમ કોર્ટ અનુચ્છેદ ૩પ-એને રદ કરે તો બધા જ ભારતીયો ભલે એ કોઈપણ રાજ્યના હોય એમને કાશ્મીરમાં કાયમી વસવાટ કરવા મિલકતો ખરીદવા, સરકારી નોકરી મેળવવાના અધિકારો મળી જાય છે. આ ખાસ કેસમાં મોદી સરકારે અનુચ્છેદ ૩પ-એનો બચાવ કરવા ઈન્કાર કર્યો છે. ખરી રીતે સરકાર પણ અનુચ્છેદને રદ કરવાની તરફેણમાં છે. જેના કારણે હજી સુધી સોગંદનામું દાખલ નથી કર્યું. ગયા વર્ષે એટોર્ની જનરલે કહ્યું હતું કે, મામલાની સુનાવણી માટે વધુ સમય અને ચર્ચાની જરૂર છે. સરકારના આ વલણથી કાશ્મીરીઓને શંકા થઈ કે સરકાર અનુચ્છેદનો રક્ષણ કરવા નથી. ઈચ્છતી જેથી બધા કાશ્મીરીઓ ભેગા થઈ રક્ષણ કરવા હડતાળમાં જોડાયા છે.