(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૫
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ માર્કેડેય કાત્જુએ આ લેખ કૈલાશ જીનગરના લેખના જવાબમાં લખ્યું છે. જેમણે લખ્યું હતું કે સુપ્રીમ કોર્ટે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે અનામત એક મુળભૂત અધિકાર છે. જેમાં તેઓ બધી જાહેર સેવાઓમાં અનામતની ભલામણ કરે છે.
જજ કાત્જુ લખે છે કે ભારતના બંધારણમાં એવી કોઈ જોગવાઈ નથી જે મુજબ જાતિ આધારિત અનામત અનિવાર્ય છે. અનુચ્છેદ ૧૪ (૪), ૧૬ (૪) અને ૧૬ (૪એ)માં ફક્ત એ કહ્યું છે કે સરકાર અનામત આપી શકે છે પણ એ નથી કહ્યું કે અનામત આપવી અનિવાર્ય છે. પ્રોફેસર જીનગર અનુચ્છેદ ૧૪નો હવાલો આપે છે જેમાં સમાનતાનો અધિકાર અપાયેલ છે. પણ વાસ્તવિકતા શું છે ?
ઓ.બી.સી.ના લોકો આજે પછાત નથી અને એ માટે એમના માટે અનામત સંપૂર્ણપણે અનુચિત છે. હવે જો એસ.સી.ની અનામત બાબત વાત કરાય તો એ હકીકત છે કે એમને ઉચ્ચ જાતિના લોકો એટલે સુધી કે ઓ.બી.સી.ના લોકો પણ નીચી જાતિ તરીકે જુએ છે અને એમની સાથે ભેદભાવ કરે છે. તેમ છતાંય હું એમને અનામત આપવા માટે વિરોધ કરૂં છું.
બધી જાતિઓ અને ધર્મના લોકોના ગરીબ બાળકોને વિશેષ સગવડો આપવી જોઈએ જેથી એમને તકોનું લાભ મેળવવા એમને બરાબરીના સ્તરે ઊભા રાખી શકીએ. જાતિ આધારે અનામતનો હું વિરોધ કરૂં છું. અને એના કારણો એ છે કે,
૧. અનામત ફક્ત ૧ ટકાથી ઓછા એસ.સી.ના લોકોને લાભ આપે છે જયારે ભ્રમ એ રીતનો ફેલાવવામાં આવે છે કે બધા જ એસ.સી. લોકોને અનામતનું લાભ મળે છે. ભારતમાં એસ.સી.ના લગભગ ૨ કરોડ લોકો છે પણ એમના માટે નોકરીઓ ફકત અમુક લાખ જ છે. એ માટે ખુબ જ ઓછા એસ.સી.ના લોકો અનામતનું લાભ મેળવી શકે છે અને જેઓ લાભ મેળવે છે. એમાંથી પણ મોટાભાગના ક્રિમિલેયરના જ હોય છે.
૨. અનામતના બે કારણોથી પછાત જાતિના લોકોને ખુબ જ નુકસાન થઇ રહ્યું છે. તેઓ એક રીતે મનોવૈજ્ઞાનિક રીતે અપંગ થઇ જાય છે. એમના મનમાં ધારણા થઇ જાય છે કે એમને મહેનત કરવાની જરૂર જ નથી કારણ કે એમને અનામતના આધારે નોકરી મળી જશે. અનામત કાઢી નાંખી એમને વધુ મજબૂત બનાવવું જોઈએ જેથી તેઓ ઉચ્ચ વર્ગ સાથે હરીફાઈ કરી શકે. અને પુરવાર કરે કે એમનામાં પણ ક્ષમતા છે.
૩. આપણા નેતાઓ પોતાના વોટ બેંકના રાજકારણના લીધે અનામત ચાલુ રાખવાની તરફેણ કરે છે. જેથી તેઓ વર્ગ વિગ્રહ કરાવી ચૂંટણીઓ જીતી શકે.