(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૨
એસસી, એસટી એકટ સંદર્ભે સુપ્રીમકોર્ટે જારી કરેલા મહત્વના ચુકાદા બાદ દલિત સમાજમાં ભભૂકી ઉઠેલા ઉગ્ર આક્રોશ અને તેને પગલે આજે દલિત સમાજ દ્વારા અપાયેલા બંધના એલાન દરમ્યાન અમદાવાદ સહિત રાજયભરમાં હિંસા, તોડફોડ અને આગચંપી સહિતના બનાવોની ગંભીરતા લઇ રાજય સરકાર દ્વારા તોફાની તત્વો વિરૂધ્ઘ તાત્કાલિક કડક હાથે કાર્યવાહી કરવા આદેશો જારી કરાયા છે. જેને પગલે હવે પોલીસ તંત્ર દ્વારા તોફાન અને હિંસામાં સક્રિય ભૂમિકા ભજવનાર તોફાની તત્વોને શોધી કાઢવા અને તેઓની વિરૂધ્ધ કાયદાનુસાર પગલા લેવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે. આ માટે પોલીસ દ્વારા સીસીટીવી ફુટેજ અને અન્ય કડીઓના આધારે તોફાની તત્વોને જબ્બે કરવાની કવાયત હાથ ધરી છે.રાજયના મોટાભાગના વિસ્તારોમાં દલિત સમાજ દ્વારા ઉગ્ર આક્રોશ અને વિરોધ પ્રદર્શન વ્યકત કરવામાં આવ્યા હતા. જેને પગલે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં શાંતિનું વાતાવરણ ડહોળાયું હતું. ખાસ કરીને આક્રોશિત દલિત સમાજના લોકો દ્વારા એસટી બસ, સીટી બસ અને જાહેર મિલકતોમાં કરાયેલી તોડફોડ, નુકસાન અને આગચંપીની ઘટનાઓને લઇ પરિસ્થિતિ વધુ વણસી હતી. પ્રજાજનો દલિત સમાજ દ્વારા ફેલાવાયેલી હિંસા અને તોડફોડને લઇ દહેશતના ઓથાર હેઠળ આવી ગયા હતા. જેથી સમગ્ર પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને લઇ આજે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ અમદાવાદ શહેર સહિત રાજયભરની સ્થિતિનો વિગતવાર જાણકારી મેળવી હતી. પરિસ્થિતિની સમીક્ષા બાદ સરકાર દ્વારા રાજયમાં આ પ્રકારે હિંસા અને તોડફોડ મચાવી શાંતિ હણવાનો પ્રયાસ કરનારા તોફાની તત્વોને કોઇપણ સંજોગોમાં નહી બક્ષવા અને તેઓને પકડી પાડી તાત્કાલિક આકરી કાર્યવાહી કરવાના આદેશો જારી કરાયા હતા. જેથી પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું. આ સાથે પોલીસે વિવિધ વિસ્તારોમાં કોમ્બીંગ ઓપરેશન પણ હાથ ધર્યું હતું અને કેટલાક પ્રદર્શનકારીઓની અટકાયત થઈ હતી.