(સંવાદદાતા દ્વારા)
આણંદ, તા.૪
આણંદ જિલ્લાનાં તારાપુરમાં ગઈકાલે થયેલા ઝઘડાની અદાવત રાખી આજે લાકડીઓ સાથે હુમલો કરી ચ્હાની હોટલમાં તોડફોડ કરી નુકશાન કરતા જેને લઈને ગામમાં તંગદીલી પ્રસરી જતા બજારમાં દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી. બે કોમનાં લોકો વચ્ચે થયેલા આ ઝઘડાનાં પ્રત્યાઘાત પડે નહીં તે માટે પોલીસ દ્વારા સમગ્ર ગામમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
મળતી વિગતો અનુસાર તારાપુર ગામમાં છીપવાડ ટાવર સામે રહેતા જાવેદભાઈ મહેબુબભાઈ વ્હોરા તારાપુરની મોટી ચોકડી પાસે બ્રધર્સ ટી સેન્ટરના નામે પાનનો ગલ્લો અને ચ્હાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે જાવેદભાઈનો પિતરાઈ ભાઈઓ અકરમભાઈ વ્હોરા ગામમાં વોડાફોનની ઓફિસમાં કામ અર્થે ગયેલ ત્યારે પોતાનું મોટર સાયકલ એસ્ફ.ટી. બસ સ્ટેન્ડમાં પાર્ક કર્યું હોઈ અને એસ.ટી. બસ સ્ટેન્ડમાં પાર્કીંગનો કોન્ટ્રાકટ નિલેશ પટેલનાં નામનું હોઈ પાર્કીંગનાં પૈસા જયેશ ઉધરાવતો હોઈ અકરમે પૈસા આપેલા નહીં જેને લઈને બન્ને વચ્ચે ઝઘડો થતા તારાપુર પોલીસ મથકે સામ સામે અરજીઓ આપવામાં આવી હતી.
આજે બપોરનાં સુમારે ગઈકાલનાં ઝઘડાની અદાવત રાખીને જયેશભાઈ પ્રભાતભાઈ રબારી પોતાની સાથે હાથમાં લાકડીઓ સાથે ટોળુ લઈ આવીને ગાળો બોલતા હુમલો કરીને દુકાનમાં તોડફોડ કરતા દુકાનમાં બેઠેલા જાવેદભાઈ ગભરાઈને ભાગી છૂટયા હતા જ્યારે જયેશ સહિતનાં ટોળાએ દુકાનમાં તોડફોડ કરી આસરે વીસ હજારનું નુકશાન કર્યું હતું.
આ ઘટનાને લઈને ગામમાં નાસભાગ મચી જવા પામી હતી અને બજારમાં વેપારીઓ દ્વારા ફટાફટ દુકાનો બંધ કરી દેવામાં આવતા ગામમાં તંગદીલી પ્રસરી જવા પામી હતી. ઘટનાની જાણ થતા તારાપુર પોલીસે ધટના સ્થળે દોડી જઈ મામલો થાળે પાડી ઘટનાનાં પ્રત્યાઘાત પડે નહી તે માટે ગામમાં પોલીસ પેટ્રોલીંગ સઘન બનાવી દઈ પોલીસ તૈનાત કરી દીધી હતી,
આ બનાવ અંગે તારાપુર પોલીસે જાવેદભાઈ મહેબુબભાઈ વ્હોરાની ફરિયાદનાં આધારે જયેશભાઈ પ્રભાતભાઈ રબારી, હરેશભાઈ પ્રભાતભાઈ રબારી, સૈજીભાઈ ભીખાભાઈ રબારી, ભોલો ઉર્ફે કૌતુલ કનુભાઈ રબારી, ટીપુ પ્રભાતભાઈ રબારી, નવીન રબારી અને આઠથી દસ રબારી કોમનાં ટોળા વિરૂદ્ધ રાયોટીંગ ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી. સામા પક્ષે પણ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Recent Comments