(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૪
અમદાવાદથી બકરા લઇને જઇ રહેલા ટ્રક ચાલક અને તેના સાથીદારોને એન્ટીલીઝન્સ હ્યુમન રાઇટ્‌સનાં આઇકાર્ડ બતાવી મારમારીને તોડ કરતાં ૩ જણાંને વડોદરા પોલીસે ઝડપી પાડયા હતા. આ ૩ આરોપીઓને પોલીસે પાસા હેઠળ ભાવનગર, ભુજ અને રાજકોટ જેલમાં મોકલી આપ્યા છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર પાટણ જિલ્લાનાં સિધ્ધપુર ખાતે રહેતા સાકીર કાસમભાઇ સિંધી અમદાવાદથી ૭૦ જેટલા બકરાં ભરીને મુંબઇ જઇ રહ્યાં હતા. તે દરમિયાન બે દિવસ અગાઉ વડોદરા પાસે નેશનલ હાઇવે કપુરાઇ બ્રિજ નજીક આ ટ્રકને કારમાં આવેલા ૩ વ્યક્તિઓને રોકી હતી. ટ્રક ચાલકને હ્યુમન રાઇટ્‌સનાં કાર્યકરો છે તેમ કહી બકરાં કયાં લઇ જાવ છો તેમ જણાવી મારમાર્યો હતો. ટ્રક ચાલક પાસેથી રૂા.૨૦ હજારની માંગણી કરી હતી. તે દરમિયાન શહેરના જીવદયા કાર્યકરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ બનાવની જાણ તેમણે બાપોદ પોલીસને કરતાં દોડી આવેલ પોલીસે હ્યુમન રાઇટ્‌સનાં કાર્યકરો હોવાનું બતાવતા ત્રણેવ કાર્યકરો અંકિત બળદેવ રાણા, અશરફ સામોલ અને મનીષ અશ્વિન પોસ્ટીની ધરપકડ કરી હતી. પોલીસે આ ત્રણેવ કાર્યકરોને પાસા હેઠળ વિવિધ જેલમાં મોકલી આપ્યા હતા.