પાલીતાણા, ભાવનગર,તા.ર૯
ભાવનગર જિલ્લા મહુવા તાલુકાના બગદાણા ગુરૂઆશ્રમ નજીકથી ટાટા મેજીક રિક્ષામાંથી ચાર મહિલાઓ અને મેજીક ચાલક આજરોજ મંગળવારે અર્ધબેભાન હાલતે મળી આવતા બગદાણા પોલીસને જાણ થતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને તમામને સૌપ્રથમ સારવાર અર્થે બગદાણા અને ત્યારબાદ વધુ સારવારઅર્થે ભાવનગરની સર.ટી. હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ.
બનાવ અંગે જાણવા મળેલ વિગત મુજબ ઉનાના કોળીવાડ વિસ્તારમાં રહેતા કાળીબેન કાનાભાઈ વાજા (ઉ.વ.૪પ), રતનબેન નાનુભાઈ બાંભણિયા (ઉ.વ.૬પ), જાબેન કાળુભાઈ મકવાણા (ઉ.વ.૪૦), નાનીબેન ગીગાભાઈ બાંભણિયા (ઉ.વ.ર૯) સહિતની મહિલાઓ મેજીક રિક્ષામાં ચાલક રફીકભાઈ સુલતાનભાઈ હોવાનું જાળવા મળી રહ્યું છે. આ તમામ બેભાન અવસ્થામાં મળી આવ્યા હતા. જે પૈકીના કાળીબેન પાસેથી રાજુલાથી આવેલા બે શખ્સોએ લગ્ન પ્રસંગ નિમિત્તે કામ માટે માણસોની જરૂર છે. તેમ કહેતા ઉપરોક્ત મહિલાઓ મજુરી કામે જવાનું કહેતા અજાણ્યા શખ્સોએ ટાટા મેજીક રિક્ષા ભાડે કરી હતી અને ઉનાથી સવારે નીકળ્યા બાદ આજે અગિયાર વાગે ચા-નાસ્તા માટે રોકાયા હતા. જ્યારે તમામ કોલ્ડ્રીંક્સ પીધા બાદ બેભાન બની ગયા હતા. કાશીબેન સહિતની બહેનોએ પહેરેલા સોનાના દાગીના લઈ બંન્ને શખ્સો નાસી છુટ્યા હતા. આ બનાવની બગદાણા પોલીસ મથકના પી.આઈ. દાફડાએ જણાવ્યું હતું કે, તમામે ગાઠિયા ખાધા બાદ વામીટ કર્યું હતું અને તમામને મહુવા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.