(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
ઇરાકમાં અમેરિકાના વિભાગ તથા સંયુક્ત રાષ્ટ્રના સહાય મિશને દેશના પાટનગર બગદાદમાં કુર્દિસ્તાન ડેમોક્રેટિક પાર્ટી પર હુમલા તથા તેને બાળવાની ઘટનાની નિંદા કરી છે. અમેરિકાના વહીવટી વિભાગના પ્રવક્તા મોર્ગન ઓર્ટેગસે એક નિવેદનમાં જણાવ્યું છે કે, પોપ્યુલર મોબિલિસેશન ફોર્સના ઇરાન સમર્થક તત્વો દ્વારા બગદાદમાં કુર્દિસ્તાન ડેમોક્રેટિક પાર્ટીની ઓફિસ પર હુમલાને અમેરિકા આકરી રીતે વખોડે છે. તેમણે ઉમેર્યું કે, વોશિંગ્ટને આકરી રીતે અપીલ કરી છે કે, ઇરાક જ્યારે રોગચાળા, આર્થિક કટોકટી અને આઇએસઆઇએસના ભયના ઓથાર તળે રહ્યું છે તે દરમિયાન તમામ પાર્ટીઓ પોતાની જવાબદારી સમજે. બીજી તરફ યુએનએએમઆઇએ બગદાદમાં કેડીપી ઓફિસ પર હુમલો અને તેનો ઝંડો બાળવાની ઘટના અંગે ઘેરી ચિંતા દર્શાવી છે. એક નિવેદનમાં તેણે કહ્યું છે કે, હિંસા અને ધમકીઓનું કૃત્ય વખોડવા પાત્ર છે અને આ તમામ વિવાદનો ઉકેલ નથી. તેણે ભારપૂર્વક કહ્યું કે, અનેક મુશ્કેલીઓને ઉકેલવા માટે ઇરાકને એકતા, સ્થિરતા અને અને મંત્રણાની જરૂર છે. રવિવારે સેન્ટ્રલ બગદારના કર્રાડા જિલ્લામાં પોપ્યુલર મોબિલિસેશન ફોર્સિસના સમર્થકોએ કેડીપીના મુખ્યમથકે હુમલો કર્યો હતો અને ઓફિસ બાળી નાખી હતી.