(સંવાદદાતા દ્વારા) વડોદરા તા.૧૭
બગલામુખીનાં ઠગ પ્રશાંત મહારાજ સામે એક મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત અનુસાર હાલમાં જેલમાં બંધ બગલામુખીના નામથી પ્રસિદ્ધ પ્રશાંત મહારાજ સામે બે સંતાનની માતાએ પોલીસને જણાવ્યું હતું કે, વર્ષ-૨૦૧૬માં એક અનુયાયીના માધ્યમથી મારા પતિ બગલામુખી મંદિરનાં ગુરુ પ્રશાંત મહારાજના સંપર્કમાં આવ્યા હતા. તેઓ સત્સંગની વાતો કરતાં હોવાથી નવેમ્બર-૨૦૧૬ થી હું પણ સત્સંગમાં જતી હતી. મારી પારિવારીક તકલીફો અંગે મેં પ્રશાંત મહારાજને વાત કરતાં તેમને કહ્યું હતું કે, હું તને દૈવી સ્વરૂપ આપી દઇશ. જેથી તારી તમામ તકલીફો દુર થઇ જશે. તેના માટે તારે ભોગ આપવો પડશે તેમણે તા.૨૨-૧૧-૨૦૧૬ નાં રોજ બપોરે મને ફોન કરી ગોત્રીનાં દયાનંદ સોસાયટી ખાતેનાં આશ્રમ ખાતે બોલાવી હતી. જ્યાં બીજા માળે બેડરૂમમાં લઇ જઇ મારી મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો.
ત્યારબાદ પણ પ્રશાંતે વર્ષ – ૨૦૧૭ માં તથા વર્ષ – ૨૦૧૮ માં બે થી ત્રણ વાર અને વર્ષ ૨૦૧૯માં પણ અવાર નવાર મારી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. બદનામીનાં ડરથી અને પતિ કાઢી મુકશે તેવી બીકે હું ચુપ રહી હતી. પરંતુ ઠગ પ્રશાંતના કરતૂતો બહાર આવતા અને મારા પતિને વાત કરતાં ફરિયાદ કરવાની હિંમત આવી છે. ગોત્રીનાં પો.ઇ. એ.બી. ગોહિલે બળાત્કારનો ગુનો નોંધી પ્રશાંતનો જેલમાંથી કબજો મેળવવાની તજવીજ હાથ ધરી છે.