અમરેલી,તા.૧૭
બગસરા તાલુકાના પીઠડિયા ગામે આધેડ ખેડૂતને ઘરનું સંકટ દૂર કરવા ધાર્મિકવિધિના નામે ર૪.૮૦ લાખ પડાવી લેનાર ઠગ ટોળકીના પાંચ સભ્યોને અમરેલી એલસીબીએ ઝડપી પાડયા છે. પીઠડિયા ગામે રહેતા જયંતીભાઈ વશરામભાઈ પીપળીયાના ઘરે આવેલ ઠગ ટોળકીના સભ્યોએ તેમની પત્નીના માથે હાથ મુકી કહ્યું હતું કે બેટા તારા ઘરમાં મોટું સંકટ છે જેને દૂર કરવા ધાર્મિકવિધિ કરવી પડશે જેની વાતોમાં જયંતીભાઈ આવી ગયા હતા કેમ કે તેમની પત્નીને સાતેક વર્ષથી માનસિક બીમારી લાગુ પડી હતી. જેની દવા કરવામાં ઘણો ખર્ચ થઈ ગયો હતો. જેમને ચોટીલા વિધિ કરવાના બહાને બોલાયા હતા. જયાં વઘાસિયા બાપુ તેમના ચેલા સહિત એક બાળક હાજર હતું. જેમાં વિધિ શરૂ કરતા બાળકના મોઢામાંથી લોહી નીકળતા અને તે તરફડિયા મારવા લાગતા સાધુએ કહેલ કે વિધિ અવળી થયેલ છે આજે મોડું થઈ ગયું હોવાથી વિધિ નહીં થાય તેમ કહી જતાં રહ્યા હતા બાદમાં છોકરા પર જોખમ છે તમે મુશ્કેલીમાં મુકાશો કહી તેમને ડરાવી ટુકડે ટુકડે ર૪.૮૦ લાખ પડાવી મોબાઈલ સ્વીચ ઓફ કરી દીધો હતો. પોતે છેતરાયા હોવાનો અહેસાસ થતા તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. આ અંગે એલસીબીએ તપાસ હાથ ધરી અમરેલી શહેરના ચિત્તલ રોડ પરથી શંકાસ્પદ રીતે આંટાફેરા મારતા (૧) રૂખડનાથ ગુલાબનાથ ચૌહાણ ઉર્ફે વઘાસિયા બાપુ (ર) જાનનાથ સુરમનાથ પઢિયાર ઉર્ફે ગુરૂદેવ (ઉં.વ.૩૦ રહે. મકનસર), (૩) કવરનાથ રૂમાલનાથ ભાટ્ટી, (૪) નરેશનાથ રૂખડનાથ પઢીયાર (પ) ધાસનાથ રૂખડનાથ પઢિયાર સહિતની ગેંગને રોકડ રૂા. ૭,૮પ,પ૦૦ સોનાના દાગીના રૂા.૪,૮૩,૪૮૦ તેમજ ઈકોકાર સહિત કુલ રૂા.૧પ,૬૮,૯૮૦નાં મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા.