અમરેલી, તા.૨૪
બગસરામાં ત્રણ પોલીસ કર્મીઓ ઉપર બાબરાના શખ્સે છરી વડે જીવલેણ હુમલો કરતા જિલ્લામાં ચકચાર જાગેલ છે અને લોકોમાં ભય એ ફેલાયેલ છે કે, જો પોલીસ ખુદ સુરક્ષિત નથી તો સામાન્ય લોકોની સુરક્ષા કેવી તે બાબતે અનેક સવાલો ઊઠેલ છે.
અમરેલી જિલ્લામાં પોલીસ ઉપર હુમલાઓની ઘટના સામાન્ય થઇ ગયેલ હોઈ તેવું લાગી રહ્યું છે. ગુનેગારોને પોલીસની કોઈ બીક કે ભય ના હોઈ તેમ આરોપીઓ ખુદ પોલીસ ઉપર હુમલા કરી સમાજમાં ભયનું વાતાવરણ ઊભું કરી રહ્યા છે. ગઈકાલે બગસરાના અમરાપરા વિસ્તારમાં રહેતા જયરાજભાઇ ધાંધલ નામના શખ્સોનો બગસરા પોલીસ સ્ટેશનમાં ફોન આવેલ કે તેનો બનેવી હરેશ અનકભાઈ વાળા (રહે.બાબરા)વાળો તેમની સાથે તેમજ તેની બહેન સાથે માથાકૂટ કરી રહ્યો છે, જેથી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ મધુભાઈ નથુભાઈ પોપટ તેમજ હેડ કોન્સ્ટેબલ માયાભાઇ રામભાઈ ભાદરકા અને પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ કાળુભાઇ પરમાર ત્રણેય અમરપરા વિસ્તારમાં ગયા હતા.
જ્યાં જયરાજભાઇના ઘરે જઈ બનાવ અંગે હકીકત પૂછતાં તેમનો બનેવી હરેશ અનકભાઈ વાળા તેની દીકરીને તેડવા બાબતે ઘરમાં પત્ની સાથે ઝઘડી કરી રહ્યો હોવાનું જણાવતા પોલીસે હરેશ અનકભાઈ વાળાને પોતાનું નામ પૂછતાં ઉશ્કેરાઈ જઈ છરી કાઢી મધુભાઈ પોપટ ઉપર છરી વડે માથાના ભાગે હુમલો કરી બે ઘા મારતા તેને બચાવવા માયાભાઇ ભાદરકા તેમજ રાહુલભાઈ પરમાર વચ્ચે પડતા તેમને પણ છરી વડે ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે આરોપી હરેશ અનકભાઈ વાળા સામે હેડ કોન્સ્ટેબલ મધુભાઈ પોપટે ફરજમાં રૂકાવટ તેમજ પોલીસ ઉપર જીવલેણ હુમલો કરવા સબ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી. પોલીસ કર્મચારીઓ ઉપર હુમલાને લઇ સમગ્ર પોલીસ બેડામાં ચકચાર જાગેલ હતો.