(સંવાદદાતા દ્વારા) વડોદરા,તા.૧
કોર્ટના વોરંટની બજવણી કરવા ગયેલા ટ્રાફિક પો.સ.ઇ.ને ભાઈ-બહેને ઘરેથી ચાલ્યા જવાનું જણાવી ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ભાઇએ પોતાના ગળા ઉપર ચાકુ મુકીને આત્મહત્યા કરી લેવાની ધમકી આપી હતી. જેથી પો.સ.ઇ.એ બંને ભાઇ-બહેન સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.પ્રાપ્ત થતી વિગત અનુસાર, શહેરના હરણી રોડ પર આવેલ લલ્લુપાર્ક સોસાયટીમાં રહેતા રીટાબેન રામચંદ્ર સોનીના ઘરે ટ્રાફિક શાખાનાં પી.એસ.આઇ. એસ.સી. શંગાડા વોરંટ બજાવવા માટે ગયા હતા. તે સમયે રીટાબેન સોની ઘરે હાજર ન હતા. પરંતુ તેમની દિકરી દેવાંશી ઉર્ફે ચાંદની અને પુત્ર પ્રિતેશ સોની હાજર હતા. પી.એસ.આઇ.એ. જણાવ્યું હતું કે, અમે રીટાબેનનું વોરંટ બજાવવા માટે આવ્યા છે. તેમ જણાવતા ઘરમાં હાજર ભાઈ-બહેને અમારે વોરંટ લેવું નથી તેમ કહીં પોલીસ સ્ટાફ સાથે ઝપાઝપી કરી ઝઘડો કર્યો હતો. પ્રિતેશ ઘરમાંથી ચાકુ લઇ આવ્યો હતો અને પી.એસ.આઇ. એસ.સી. શંગાડાને જણાવ્યું કે, તમે અહિંયાથી ચાલ્યા જાવ નહીં તો જાનથી મારી નાખીશ. પોતાના ગળા ઉપર ચાકુ મુકી પોતે પણ આત્મહત્યા કરી લેશે એવી ધમકી આપી હતી. જેથી પો.સ.ઇ.એ કારેલીબાગ પોલીસ મથકમાં ભાઇ-બહેન સામે સરકારી કામગીરીમાં દખલગીરી તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.