(સંવાદદાતા દ્વારા) વડોદરા, તા.૨
કોર્ટના વોરંટની બજવણી કરવા ગયેલા ટ્રાફિક પી.એસ.આઇ.ને ભાઇ-બહેને ચાકુ બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપવાના બનાવમાં કારેલીબાગ પોલીસે આજે બંને ભાઇ-બહેનની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત થતી વિગત અનુસાર, હરણી રોડ પર આવેલી લલ્લુપાર્ક સોસાયટીમાં રહેતાં રીટાબેન સોનીના ઘરે ટ્રાફિક શાખાનાં પી.એસ.આઇ. એસ.સી. સંગાડા વોરંટ બજાવવા ગયા હતા. તે સમયે રીટાબેન સાથે ઘરમાં તેમની પુત્રી દેવાંશી તથા પુત્ર પ્રિતેશ સોની હાજર હતો. પી.એસ.આઇ.એ વોરંટ આપવાનું કહેતા બંને ભાઇ-બહેને તેમની સાથે ઝઘડો કરી ઝપાઝપી કરી હતી. તેમજ પ્રિતેશ સોનીએ ઘરમાંથી ચાકુ લઇ આવી અહીંથી ચાલ્યા જાવ નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.
બનાવ અંગે પી.એસ.આઇ. સંગાડાએ કારેલીબાગ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા આજે પોલીસે બંને ભાઇ-બહેન દેવાંશી તથા પ્રિતેશ સોનીની ધરપકડ કરી હતી.