(એજન્સી) તા.૫
ગામ ગરીબ અને ખેડૂત તથા પ્રત્યેક નાગરિકના જીવનને વધારે સરળ બનાવવાના લક્ષ્ય સાથે રજૂ કરાયેલા મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ સામાન્ય બજેટમાં અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે મીડિયા, વિમાન, વીમા અને એકલ બ્રાન્ડ રિટેલ ક્ષેત્રમાં એફડીઆઇના નિયમોને ઉદાર કરવાનો પ્રસ્તાવ મૂકાયો છે.
૧. બેન્ક ખાતામાંથી એક કરોડ રુપિયાથી વધારે ઉપાડ બે ટકાના દરે ટીડીએસ ચૂકવવો પડશે. પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યૂટીમાં રુપિયો વધારી દીધો, સોના પર ડ્યૂટી ૧૦થી ૧ર.પ ટકા થઇ જશે. ૪પ લાખના મકાન પર હવે વ્યાજમાં સાડા ત્રણ લાખ રુપિયાની છૂટ મળશે. પ કરોડથી ઉપર વાર્ષિક આવકવાળાથી હવે ૭ ટકા અને રથી પ કરોડની વાર્ષિક આવકવાળા પાસેથી ૩ ટકા વધુ સરચાર્જ વસૂલાશે.
ર. હવે કાર્યક્રમોની ઝડપ વધારાશે અને લાલફીતાશાહીમાં ઘટાડો કરાશે. દોઢ કરોડ રુપિયાથી ઓછો વાર્ષિક બિઝનેસ ધરાવતા ત્રણ કરોડ રિટેલ વેપારીઓ તથા દુકાનદારોને વડાપ્રધાન કર્મયોગી માનધન યોજના હેઠળ પેન્શન યોજનાનું લાભ અપાશે.
૩. અસંગઠિત ક્ષેત્રના કર્મચારીઓ માટે શરુ કરાયેલી વડાપ્રધાન શ્રમયોગી માનધન યોજનાને અત્યાર સુધી ૩૦ લાખ કર્મચારીઓએ અપનાવી છે. આ યોજનાને અપનાવનારા કર્મચારીઓને ૬૦ વર્ષની ઉમર પછી મહિને ૩ હજાર રુપિયા પેન્શન મળશે.
૪. ગત વર્ષોમાં દેશમાં ૬૪.૩૭ અબજ ડોલરની એફડીઆઇ આવી જે ર૦૧૭-૧૮ની તુલનાએ છ ટકા વધુ છે. હું આ લાભને વધુ રેષઠ બનાવવાનો પ્રસ્તાવ રજૂ કરું છું જેનાથી ભારતને વિદેશી રોકાણ માટે વધુ આકર્ષક સ્થળ બનાવી શકાય.
પ. વીમા ક્ષેત્રના મધ્યસ્થી એકમો માટે ૧૦૦ ટકા એફડીઆઇને મંજૂરી અપાશે. સાથે એકલ બ્રાન્ડ રિટેલ ક્ષેત્રમાં સ્થાનિક ખરીદના નિયમોમાં ઢીલાશ વર્તાશે
૬. સરકારનો ઉદ્દેશ્ય નાગરિકોના જીવનને સરળ બનાવવાનો છે. સૂચના આપતા પ્રસન્ન તથા સંતુષ્ટ છું કે ભારતને બે ઓક્ટોબર ર૦૧૯ના રોજ જાહેરમાં શૌચથી મુક્ત જાહેર કરાશે.
૭. ભાડાના મકાનોને પ્રોત્સાહન આપવા અનેક સુધારાઓ કરાશે.
૮. શ્રમ કાયદાને સરળ કરી ચાર કાનૂની સંહિતાઓ નક્કી કરાશે. તેનો ઉદ્દેશ્ય રિટર્ન ભરવા અને રજિસ્ટ્રેશનનું માનનીકરણ અને વિવાદો ઘટાડવાનું છે.
૯. ર૦રર સુધી પ્રત્યેક ગ્રામીણ પરિવારમાં વીજળીના કનેક્શન અને સ્વચ્છ ઇંધણ આધારિત રસોડાની સુવિધા હશે. જે લોકો કનેક્શન લેવા ઇચ્છતા નથી તેમના સિવાય ર૦રર સુધી પ્રત્યેક ગ્રામીણ પરિવારમાં વીજળી કનેક્શન અને સ્વચ્છ ઇંધણ આધારિત રસોડાની સુવિધા હશે.
૧૦. વડાપ્રધાન ગ્રામીણ રોડ યોજનાના ત્રીજા તબક્કામાં ૮૦રપ૦ કરોડ રુપિયાના ખર્ચે ૧રપ૦૦૦ કિલોમીટર રોડ બનાવવામાં આવશે.

આગળ પણ રોજગારની કોઈ આશ નથી ? હજુ ખરાબ
દિવસો આવશે, આ ત્રણ આંકડા તેના સંકેત આપે છે

(એજન્સી) તા.૫
મોદી સરકારમાં દેશમાં વિકાસની ઝડપ ધીમી છે. તેની અસર નોકરીઓ પર પણ થઇ રહી છે. દેશમાં બેરોજગારોની સંખ્યા રેકોર્ડ સ્તરે છે. સરકારના તમામ દાંવ ફેલ થઇ રહ્યાં છે. મોદી સરકારની બીજી ટર્મ શરુ થઇ ચૂકી છે અને આ વખતે પણ નોકરીઓની અછત યથાવત્‌ રહેશે તેવી આશંકા છે. આટલું જ નહીં જે રસ્તે અર્થવ્યવસ્થા આગળ વધી રહી છે તેમાં નોકરીઓનો હાલ હજુ ખરાબ થવાનો છે.
એક અંગ્રેજી અખબાર ધ ટેલિગ્રાફના અહેવાલ અનુસાર જીએફસીએફમાં સતત પડતી જોવા મળી રહી છે. જ્યારે જીએસટીથી આશા મુજબ ટેક્સ ક્લેક્શન પણ થઈ રહ્યું નથી. જોકે કેપિટલ એક્સપેન્ડિચરમાં પણ ઘટાડો નોંધાયો છે. તેની અસર પણ અર્થવ્યવસ્થા પર થઈ શકે છે. જોકે મોદી સરકાર પોતાના પહેલા કાર્યકાળથી જ ખેડૂતોની આવક બમણી કરવા અને યુવાઓને રોજગાર આપવાનો વાયદો કરતી રહી છે.
ર૦૧૯માં પીયૂષ ગોયલે વચગાળાના બજેટમાં ફરી એકવાર દાવો કર્યો હતો કે ર૦રર સુધી અમે ન્યૂ ઇન્ડિયા બનાવીશું અને આ દરમિયાન ખેડૂતોની આવક બમણી થશે તથા યુવાઓને સારી તકો મળશે. પણ આંકડાની માનીએ તો એવું શક્ય નથી. જીએફસીએફમાં પડતીને લીધે જીડીપીની જે વર્તમાન સ્થિતિ છે તેમાં રોકાણમાં ઘટાડો નોંધાયો છે. રોકાણમાં ઘટાડાને લીધે યુવાઓ માટે નોકરીઓની તકો પણ ઘટી છે. મોદી સરકારે અર્થવ્યવસ્થાને ગતિ આપવા માટે ટેક્સ કલેક્શનને વધારવા માટે અનેક ઉપાયો કર્યા. પણ તેનો કોઇ ફાયદો થયો નથી.
સરકારે જેટલા ટેક્સ કલેક્શનનો અંદાજ રાખ્યો હતો તેટલો થયો જ નથી. ર૦૧૮-૧૯માં ૧૪૮૪૪૦૬ કરોડ રુપીયા નક્કી થયું હતું. આવ્યુ ૧૩૬૧૯પ૧ કરોડ. તેનો અર્થ થયો છે કે ૧૬૭૪પપ કરોડ રુપિયા ઓછું ટેક્સ આવ્યું.

આખું બજેટ ભાષણ ધૂળ-ધૂમાડાથી ભરપૂર, તેમાંથી કંઈક
ઉકળતું હોય કે કંઇક આશાનું કિરણ પણ દેખાતું નથી

(એજન્સી) તા.પ
આ વખતે બજેટ નાણામંત્રી નિર્મલા સીતારમણે રજૂ કર્યું. દેશભરમાંથી તેના પર પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે. આ દરમિયાન જ નિર્મલા સીતારમણે બજેટ ભાષણની અંતિમ પ મિનિટમાં કહ્યું હતું કે અમ પેટ્રોલના ભાવમાં વધારો કરી રહ્યાં છે. તેમણે રાજકોષીય ખાધના લક્ષ્યાંકમાં પણ વધારો કરી દીધો. આ વખતનું ભાષણ એટલું રસપ્રદ ના રહ્યું અને ઇતિહાસમાં પહેલીવાર બજેટ ભાષણ એકદમ નીચલી કક્ષાનું રહ્યું હોય તેવો આભાસ થયો. આ વખતે રોજગાર સર્જનના આઇડિયાઓ વિશે પણ કોઇ ચર્ચા ના થઈ.
નાણામંત્રી સીતારમણે આ વખતે અમેરિકીઓની જેમ સ્ટેટ ઓફ યુનિયન તરીકે સંબોધન શરુ કર્યું હતું. શરુઆતમાં જ તેમણે સરકારની સફળતાઓનું વર્ણન કરવાનું ચાલુ કરી દીધું. તેમણે યુપીએ સરકારને નીચું બતાવવા પ્રયાસ કર્યો અને તેમણે બજેટ ભાષણનું અંત ભારતીય અર્થતંત્રને પ ટ્રિલિયન ડોલરનું બનાવવાના લક્ષ્યની જાહેરાત સાથે કર્યું.
જોકે આ વખતના બજેટમાં ખેડૂતોને સંકટમાંથી કેવી રીતે બહાર લવાશે, રોજગારીનું કેવી રીતે સર્જન કરવામાં આવશે તેના પર કોઈ જોગવાઇ કે ઉલ્લેખ ના કરાયો. વડાપ્રધાન શબ્દનો તો ભાષણમાં છ વખત ઉપયોગ કરાયો. આ જ વાત નોંધનીય છે કે બજેટમાં પ્રાથમિકતા તો વડાપ્રધાન મોદી જ હોય તેવું જણાય છે.
જોકે બજેટમાં ટેક્સના સરળીકરણની વાત સકારાત્મક લાગી. પણ ભારતના અન્ય લોકો માટે શું તે મુંઝવણમાં મૂકનારું છે. છેવટે કહી શકાય કે આ આખુ બજેટ ભાષણ ધૂળ-ધૂમાડાથી ભરપૂર રહ્યું પણ તેમાંથી કંઈક ઉકળતું હોય કે કંઇક આશાનું નવું કિરણ દેખાતું હોય તેવું કંઈ જ નથી.

વિજેતા અને પરાજિતો : કોને કેટલું મળ્યું આ બજેટમાં

(એજન્સી) તા.પ
મોદી સરકારનું આ વખતનું બજેટ લોકોને મોટાભાગે નિરાશાજનક લાગી રહ્યું છે. જોકે આ બજેટમાં કોના માટે લાભ છે અને કોના માટે નિરાશા છે તે જાણવા માટે આપણે જરાક નીચેના મુદ્દાઓ પર નજર કરીએ. આ બજેટના વિજેતાઓ અને હારાનારાઓ કંઈક આ પ્રમાણે છે.
વિજેતાઓ :
સ્ટેટ રન બેન્કો : બેન્કોને મજબૂત કરવા માટે ૭૦ હજાર કરોડ રુપિયાની કેપિટલનો બજેટમાં પ્રસ્તાવ રાખવામાં આવ્યો છે. નાણામંત્રીએ કહ્યું હતું કે ગત ચાર વર્ષમા આઇબીસીના માધ્મયથી રેકોર્ડ ૪ લાખની બેડ લોન વસૂલવામાં આવી. તેની સાથે સાથે શેડો બેન્કો ઉપર ચાંપતી નજર રાખવાની જોગવાઇ કરાઇ.
ગ્રામીણ ભારત : ગામડાઓને શહેરો સાથે જોડવાના લક્ષ્ય સાથે માર્ગ નિર્માણ પર ભાર મૂકાયો છે. સાથે નવા મકાનો બાંધવામાં આવશે અને તેમાં વીજળીના કનેક્શનની સાથે સ્વચ્છ ઇંધણ પણ પહોંચાડવાની વ્યવસ્થા કરવાની યોજના બનાવાઇ છે.
એવિએશન : હવે એવિએશન ક્ષેત્રમાં એફડીઆઇને પ્રોત્સાહન આપવામાં આવશે. નિર્મલા સીતારમણે આ જાહેરાત કરી હતી. સાથે જ સરકારની માલિકી હેઠળની નવી એરઇન્ડિયા લિમિટેડની સ્થાપના કરવા યોજના ઘડવામાં આવશે. એરક્રાફ્ટના નિર્માણ માટે સરકાર ફાયનાન્સ પણ કરશે.
પાણી : ર૦ર૪ સુધીમાં તમામ ઘરોમાં પાણીના કનેક્શન પહોંચાડી દેવાની જાહેરાત કરવામાં આવી છે. તેનાથી શક્તિ પંપ ઇનડિયા લિમિટેડ, જૈન ઇરિગેશન સિસ્ટમ, કેએસબી લિમિટેડ, કિર્લોસ્કાર બ્રધર્સ, વીએ ટેક વેબેજ લિમિટેડ, જેકે એગ્રી જિનેટિક્સ લીમિટેડ જેવી કંપનીઓને ફાયદો થશે.
ભાડુઆત : ભાડુઆતોના નિયમોમાં સુધારો કરાશે. રેટિંગને પ્રોત્સાહન આપવા માટે નવા નિયમ રાજય સરકાર સામે શેર કરાશે. વર્તમાન નિયમ ભાડુઆત અને મકાન માલિકો વચ્ચે સારા સંબંધ માટે પર્યાપ્ત નથી.
રિયલ એસ્ટેટ અને કન્સ્ટ્ર્‌કશન : ર૦રર સુધીમાં ૧૯.પ મિલિયન મકાનો ગ્રામીણ ક્ષેત્રોમાં બાંધકામ કરવાનો નિર્મલા સીતારમણે વાયદો કર્યો છે.
હારનારા : જ્વેલર્સ, સોનાના આયાતકાર
સોનાની આયાત પર આયાત ડ્યૂટી ૧૦ ટકાથી વધારીને સાડા બાર ટકા કરવામાં આવતા સોનાના આયાતકારો તથા જ્વેલરોમાં ગભરાટ ફેલાયો છે અને તેઓ અકળાઇ ગયા છે. તેમને સૌથી વધુ નુકસાન વેઠવું પડી શકે છે. ભારત સોનાની આયાત સૌથી વધુ કરનારા દેશોમાં સામેલ છે.
સંરક્ષણ : એવા સમયે જ્યારે ભારતમાં સુરક્ષાની વધારે જરુર છે ત્યારે બજેટમાં સંરક્ષણ ક્ષેત્ર માટે કોઇ ખાસ જાહેરાત કરવામાં આવી નથી. બજેટમાં સેના માટે કોઇ જાહેરાત નથી.
વધુ અને મધ્યમ આવક ધરાવતા લોકો : આ વખતે બે કરોડથી વધુની આવક ધરાવતા લોકો પર ટેક્સ વધારો ઝિંકાયો છે. એક કરોડના ઉપાડ પર બે ટકા લેવી ટેક્સ લાદવામાં આવ્યો છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં હવે વધુ ર રુપિયા લીટરે વધુ ચૂકવવા પડશે.
ઓટો પાટ્‌ર્સ : ઓટો પાર્ટસ પર ટેક્સમાં વધારો કરી દેવાયો છે. ભારત દેશ હવે ઇલેક્ટ્રિક વાહનો પર ફોકસ વધારવા માગે છે. ઓટો પાર્ટસ પરથી કસ્ટમ ડ્યૂટીમાં વધારો ઝિંકાયો છે.

ભારત ૩ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનશે, પાંચ ટ્રિલિયન ડોલર
સુધી પહોંચવા માટે વધુ સુધારા કરવાની જરૂર : નિર્મલા સીતારમણ

(એજન્સી) નવી દિલ્હી, તા.૫
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે ૨૦૧૯-૨૦ના કેન્દ્રીય બજેટમાં જણાવ્યું છે કે ભારત ચાલુ નાણાકીય વર્ષમાં ૩ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બની જશે અને આગામી પાંચ વર્ષમાં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનવા માટે વધુ માળખાકીય સુધારા કરવાની જરૂર છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં પ્રથમ બજેટ રજૂ કરતા નિર્મલા સીતારમણે જણાવ્યું કે પાંચ વર્ષ પહેલા ભારતીય અર્થતંત્ર ૧.૮૫ ટ્રિલિયન ડોલરનું હતું હવે ભારતીય અર્થતંત્ર ૨.૭ ટ્રિલિયન ડોલરનું થઇ ગયું છે અને આગામી થોડાક વર્ષોમાં પાંચ ટ્રિલિયન ડોલર સુધી પહોંચવાની ક્ષમતા છે. હવે ભારતીય અર્થતંત્ર વિશ્વમાં સૌથીવિશાળ છઠ્ઠું અર્થતંત્ર છે. પાંચ વર્ષ પહેલા ભારતીય અર્થતંત્ર ૧૧મા ક્રમે હતું. તેમણે એવું પણ કહ્યું કે ખરીદ શક્તિની દ્રષ્ટિએ માત્ર અમેરિકા અને ચીન પછી ભારતીય અર્થતંત્ર ખરેખર વિશ્વનું ત્રીજું સૌથી વિશાળ અર્થતંત્ર છે.

૨૦૧૯ના કેન્દ્રીય બજેટમાં ૧૭ મહત્વના મુદ્દા

(એજન્સી) નવી દિલ્હી, તા.૫
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે લોકસભામાં બેજટ રજૂ કર્યું છે. શું મોંઘુ થવાનું છે, એ તમને યોગ્ય રીતે સમજવા માટે બજેટમાંના ૧૭ મહત્વના મુદ્દાઓ છે.
– આવકવેરાના સ્લેબમાં કોઇ ફેરફાર કરાયો નથી. બે થી પાંચ કરોડની કમાણી પર સરચાર્જમાં ૩ ટકા સુધીનો વધારો કરાયો છે. જ્યારે પાંચ કરોડ અને તેથી વધુની કમાણી પર સાત ટકા સુધીનો વધાોર કરાયો છે.
– નાણા પ્રધાને આધાર અને પાનકાર્ડ ઇન્ટરચેન્જેબલ બનાવવાની દરખાસ્ત કરી છે. આ દરખાસ્તથી જેમની પાસે પાનકાર્ડ નથી એવા કરદાતાઓની ખરાઇ કરવા માટે આધારનો ઉપયોગ કરી શકાશે.
– રૂપિયા ૪૫ લાખ સુધીના ઘર ખરીદવા માટે લોનના વ્યાજ પર રૂપિયા દોઢ લાખ સુધીનું વધુ ડિડક્શન થશે.
– ઇલેક્ટ્રિક વાહનોની લોન પર ૧.૫ લાખ રૂપિયાની વધુ આવકવેરા મુક્તિ મળશે.
– નાણા પ્રધાને જણાવ્યું કે રોકડમાં બિઝનેસ ચુકવણીની પ્રથા રોકવા માટે સરકાર બેંક ખાતામાંથી એક વર્ષમાં એક કરોડ રૂપિયાથી વધુના રોકડ ઉપાડ પર બે ટકાનો ટીડીએસ નાખવા માગે છે.
– પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ યોગ્ય લાભાર્થીઓને લગભગ ૧.૯૫ કરોડ વધુ મકાનો આપવાની દરખાસ્ત કરાઇ છે.
– ૨૦૨૪ સુધીમાં બધા ઘરોમાં પીવાનું સ્વચ્છ અને પુરતું પાણી આપવાની ૧૦૦ ટકા ખાતરી
– જાહેર ક્ષેત્રોની બેંકોની મૂડી વધારવા માટે સરકારી બેંકોને રૂપિયા ૭૦,૦૦૦ કરોડ આપવામાં આવશે.
– એન્જલ ટેક્સનો મુદ્દો ઉકેલવા માટે જરૂરી ડેક્લેરેશન ફાઇલ કરનાર સ્ટાર્ટઅપ અને રોકાણકારોના શેર પ્રીમિયમના મૂલ્યાંકનના સંદર્ભમાં કોઇ પણ પ્રકારની ચકાસણી કરાશે નહીં.
– સરકાર ૨૦૨૦ના નાણાકીય વર્ષ દરમિયાન વિનિવેશ માટે રૂપિયા ૧,૦૫,૦૦૦ કરોડનો લક્ષ્યાંક નક્કી કરશે.
– નાણા પ્રધાને બધા જિલ્લાઓમાં સ્વસહાય જૂથો (એસએચજી)નું વિસ્તરણ કરશે. મુદ્રા યોજના હેઠળ પ્રત્યેક એસએચજીની એક મહિલાને એક લાખ રૂપિયા સુધીની લોન મળશે.
– સરકાર મજૂરો અંગેના ઘણા બધા કાયદાને ચાર લેબર કોડમાં સમાવી લેશે.
– નાણા પ્રધાન નિર્મલા સીતારમણે જણાવ્યું કે લોકો દ્વારા ઇક્વિટીમાં વધુ રોકાણને પ્રોત્સાહન આપવા માટે લઘુત્તમ પબ્લિક શેરહોલ્ડીંગ માપદંડ ૨૫ ટકાથી વધારીને ૩૫ ટકા કરવા અંગે વિચારણા કરવાનું સેબીને કહેવામાં આવ્યું છે.
– પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ આશરે ૮૦,૨૦૦ કરોડ રૂપિયાના ખર્ચે લગભગ ૧,૨૫,૦૦૦ કિલોમીટરના રોડ અપગ્રેડ કરાશે.
– સરકાર એવિએશન અને મીડિયામાં ૧૦૦ ટકા એફડીઆઇની દરખાસ્તોની ચકાસણી કરશે.
– પ્રધાનમંત્રી જનધન યોજના ગણાતી નવી યોજના હેઠળ વાર્ષિક ૧.૫ કરોડ રૂપિયાથી ઓછા ટર્નઓવરવાળા ૩ કરોડ દુકાનવાળાઓને પેન્શનનો લાભ મળશે,
– સરકારે જણાવ્યું છે કે રેલવેનું ખાનગીકરણ કરવાનો સરકાર દ્વારા પ્રયાસ કરાશે. નાણા પ્રધાને જણાવ્યું કે ૨૦૧૮થી ૨૦૩૦ દરમિયાન રેલવેનું માળખું અપગ્રેડ કરવા માટે આશરે ૫૦ લાખ કરોડના રોકાણની જરૂર છે.

રેલવે બજેટ ર૦૧૯ : દેશમાં હવે પ્રાઈવેટ ટ્રેન પણ ચાલશે, રર સ્ટેશન એરપોર્ટની જેમ વિકસિત થશે

(એજન્સી) નવી દિલ્હી,તા.પ
રેલવે બજેટ ર૦૧૯ નાણામંત્રીએ કેન્દ્રીય બજેટ દરમ્યાન રેલવેનું બજેટ રજૂ કરતા ખાનગી ભાગીદારીને વધારવાની વાત કહી છે. રેલવે બજેટમાં પ્રવાસી સુવિધાઓ અને આધુનિકીકરણ પર ભાર આપ્યો છે.
નાણામંત્રીએ વર્ષ ર૦૧૯-ર૦ના બજેટમાં ૩૦૦ કિલોમીટર મેટ્રો રેલવે યોજનાને પરવાનગી આપે છે. નાણામંત્રીએ જણાવ્યું કે આ વર્ષે ૬પ૭ કિલોમીટર નવા મેટ્રો રેલવે નેટવર્ક પર સંચાલન શરૂ કરી દેવામાં આવશે. સાથે જ તેમણે રેલવે ભાડામાં સુધારા માટે આદર્શ ભાડુ કાયદો બનાવવાનો પણ પ્રસ્તાવ રજૂ કર્યો છે. તેના દ્વારા રેલવે પ્રવાસીઓની જરૂરત સુવિધાઓ અને વિભાગની જરૂરતને ધ્યાનમાં રાખતા ભાડુ નક્કી કરશે.
નાણામંત્રીએ જણાવ્યું કે ભારતીય રેલવે અને મેટ્રો પ્રોજેકટમાં પીપીપી મોડલ દ્વારા ખાનગી ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં આવશે. નાણામંત્રીએ જણાવ્યું કે પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરશીપ (પીપીપી) મોડલથી રેલવેના વિકાસમાં ગતિ આવશે.
પ્રથમ વખત પ્રાઈવેટ ટ્રેન
રેલવેમાં ખાનગી ભાગીદારીની સાથે સરકાર દેશમાં પ્રથમ વખત પ્રાઈવેટ ટ્રેનોનું સંચાલન શરૂ કરવા જઈ રહી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે ભારતીય રેલવેની યોજના છે કે ખાનગી ભાગીદારોને પર્યટન વાળા રૂટ પર કેટલીક પસંદગીની ટ્રેનો સંચાલિત કરવાની પરવાનગી આપવામાં આવશે.
ટ્રેક અને સિગ્નલિંગનું આધુનિકીકરણ
નાણામંત્રીએ જણાવ્યું કે અમે ના માત્ર ઝડપી ગતિએ ટ્રેન ચલાવવાની દિશામાં કામ કરી રહ્યા છે પરંતુ ટ્રેક અને સિગ્નલિંગના આધુનિકીકરણ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. ભારતીય રેલવે ટૂંક જ સમયમાં યુરોપિયન સિગ્નલિંગ ઈન્ફ્રાસ્ટ્રકચરને અપનાવવા પર પણ વિચાર કરી રહ્યું છે તેનાથી રેલવે યાત્રામાં ના માત્ર ગતિ આવશે. ઉપરાંત આ પહેલાથી વધુ સુરક્ષિત પણ હશે.
રેલવે સ્ટેશન પર મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ
સ્ટેશનોને વિશ્વસ્તરીય બનાવવા માટે રેલવેએ ફ્રાન્સની સાથે સમજૂતી કરી છે ફ્રાન્સની સાથે થયેલી આ સમજૂતી હેઠળ માળખાગત વિકાસ પર સરકાર સાત લાખ યુરો ખર્ચ કરશે.
જાણ થાય કે ભારતીય રેલવે પહેલાં જ સ્ટેશનોને વિશ્વસ્તરીય બનાવવાની દિશામાં કામ શરૂ કરી ચૂકયું છે. આ હેઠળ હવે રેલવે સ્ટેશનોને મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ બનાવવામાં આવશે.
આધુનિકીકરણ માટે પ૦ લાખ કરોડની જરૂર
નાણામંત્રીએ સંસદમાં જણાવ્યું કે, રેલવે માળખાના ર્માડર્નાઈજેશન અને સ્વીકૃત યોજનાઓને પૂરી કરવા માટે પ૦ લાખ કરોડ રૂપિયાની જરૂરત છે. આ યોજનાને વર્ષ ર૦૧૮થી વર્ષ ર૦૩૦ સુધી પૂરી થવાની છે. રેલવેના માળખાગત વિકાસ પર વિશેષ ભાર આપવામાં આવશે. તેમાં રેલવે પાટાના વિસ્તાર અને સુધારી કરણની સાથે સ્ટેશનનું માળખું પણ સામેલ હશે.
પ્રવાસી ગાડીઓની વધશે ગતિ
કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમને જણાવ્યું કે, રેલવે નેટવર્કનું કંજેશન સમાપ્ત કરવા માટે જળમાર્ગ પણ ઝડપથી વિકસિત કરવામાં આવી રહ્યા છે તે ઉપરાંત માલગાડીઓ માટે ડીડીકેટેડ ફ્રેટ કોરિડોરનું નિર્માણ પણ ઝડપથી વિકસિત કરવામાં આવી રહ્યું છે.
સ્ટેશન અને ટ્રેનોમાં સીસીટીવીને પ્રાથમિકતા
નાણામંત્રીએ જણાવ્યું કે, આ વખત પણ અમારું ફોકસ સુરક્ષિત રેલવે યાત્રા પર હશે. પ્રવાસીઓની સુરક્ષા માટે સ્ટેશનો અને ટ્રેનોની અંદર સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે.
મેટ્રો અને રેપિડ રેલ પ્રોજેક્ટમાં પણ પીપીપી મોડલ
નાણામંત્રીએ જણાવ્યું કે, આર્થિક સર્વેક્ષણ ર૦૧૯ મુજબ નાણાંકીય વર્ષ ર૦૧૮-૧૯માં ભારતીય રેલવેના પ્રવાસીઓની સંખ્યામાં ર૦૦૯ ટકાનો વધારો થયો છે. નિર્મલા સીતારમને જણાવ્યું કે, માત્ર રેલવેમાં જ પીપીપી મોડલને લાગુ નહીં કરવામાં આવે પરંતુ સ્પેશિયલ પર્પસ વ્હીકલ સ્ટ્રકચર્સ વિકસિત કરવામાં પણ તેનો ઉપયોગ થશે.
પ્રવાસી ભાડામાં કોઈ વધારો નહીં
પ્રવાસીઓ માટે મોટી રાહત એ છે કે, નાણામંત્રી નિર્મલા સીતારમને રેલવે બજેટ રજૂ કરતાં પ્રવાસી ભાડામાં કોઈ પ્રકારના વધારાની જાહેરાત કરી નથી. એટલે કે, પ્રવાસી ભાડામાં કોઈ પરિવર્તન નહીં થાય.
રેલવે એન્જિનોનું આધુનિકીકરણ
નાણામંત્રીએ જણાવ્યું કે, ભારતીય રેલવે પ્રદૂષણમુક્ત અભિયાન હેઠળ ગ્રીન એનર્જી પર ફોક્સ એન્જિનોનું આધુનિકીકરણ કરી તેને ઈલેકટ્રીક એન્જિન બનાવવામાં આવી રહ્યા છે. મેક ઈન ઈન્ડિયા અભિયાન હેઠળ એન્જિનોના આધુનિકીકરણનું કામ દેશમાં જ કરવામાં આવી રહ્યું છે. હાલમાં એક ડીઝલ એન્જિનને આ અભિયાન હેઠળ ઈલેકટ્રીક એન્જિનમાં બદલવામાં જણાવ્યું હતું.

ઇલેક્ટ્રિક વાહનો માટે ૧૦ હજાર કરોડની ફાળવણી
ઈ-વાહન ખરીદવા પર સરકાર આપશે વ્યાજ
સહાય, ટેક્સમાં ૭ ટકાનો ઘટાડો કર્યો

નવી દિલ્હી, તા.૫
કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમણે શુક્રવારે લોકસભામાં પોતાના બજેટમાં ઓટે ક્ષેત્ર માટે મોટી જાહેરાત કરતા ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર ભારે છૂટ આપવાની જાહેરાત કરી છે.
સરકારે એક મોટો નિર્ણય લીધો છે સરકારે ઇ-કાર રજીસ્ટ્રેશન ફી નહિ આપવી પડે. બીજી વખત રજીસ્ટ્રેશન કરવા પર પણ ડ્યુટી નહી લાગે. ઉપરાંત આજે બજેટમાં ઇલેક્ટ્રિક વ્હીકલ (ઇવી) પર અત્યારે ૧૨ ટકાના દરથી GST લાગે છે જે ઘટાડીને ૫ ટકા કરી દીધો છે. સરકારે ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવા માટે ૧૦,૦૦૦ કરોડ રૂપિયા ફાળવ્યાં છે.
ઇ-વાહન ખરીદવા રૂ. ૧.૫ લાખ સુધીની વ્યાજ સહાય આપશે. જેથી ભારતમાં ઇલેક્ટ્રિક વાહનોના મેન્યુફેક્ચરિંગમાં પ્રોત્સાહન મળશે. સરકાર ઇલે. વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવ અને પેટ્રોલિયમ ઇંધણ પર વધતી નિર્ભરતાને ઓછી કરવા માટે સરકાર પણ દેશમાં ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપી રહી છે. નીતિ આયોગે એક રોડમેપ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ૨૦૩૦માં ફક્ત ઇલેક્ટ્રિક વાહન વેચવાની યોજના છે.
સરકારની યોજના છે કે ૨૦૨૩થી બધા દ્વીચકરી અને ત્રણ પૈડાવાળા વાહનોને વિજળીથી ચલાવવા જોઇએ અને ૨૦૨૬થી બધા કોમર્શિયલ વાહનો ઇલેક્ટ્રિક હોવા જોઇએ. જાણકારો જણાવે છે કે ઇલેક્ટ્રિક વાહનો પર ટેક્સના દર ઓછા થતાં ભારત આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે સુલભ થઇ જશે.
સીતારમણે કહ્યું કે એફએમઇ ૨ યોજનાનો ઉદ્દેશ્ય છે કે ઇલેક્ટ્રિક વાહનોને ઝડપથી લોકો સ્વીકારે. તે માટે યોગ્ય પ્રોત્સાહન અને ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પુરૂ પાડવામાં આવશે. ઉલ્લેખનીય છે કે મોદી સરકાર ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહિત કરવા સતત પ્રયાસો કરી રહી છે.

વિકીપીડિયાના આધારે મોદી સરકાર લાવશે ‘ગાંધીપીડિયા’

નવી દિલ્હી, તા.૫
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સામાન્ય બજેટ ૨૦૧૯-૨૦માં મહાત્મા ગાંધીના આદર્શો અને જીવન સાથે સંકળાયેલી માહિતી આપવા માટે એક વેબસાઇટ બનાવવાની જાહેરાત કરી છે. જાણીતી વિકી ’વિકીપીડિયા’ના આધારે આ વેબસાઇટનું નામ ’ગાંધી પીડિયા’ રાખવામાં આવ્યું છે. આ સાઇટ પર મહાત્મા ગાંધીના જીવન સાથે સંકળાયેલી માહિતી મળશે, તેમના પર બનેલી ફિલ્મો, ડૉક્યૂમેન્ટ્રી અને ઐતિહાસિક તસવીરો પણ જોવા મળશે.
મોદી સરકારની આ યોજના ખૂબજ મહત્વની છે, કારણકે ૨ ઓક્ટોબર, ૨૦૧૯એ મહાત્મા ગાંધીની ૧૫૦મી જયંતિ છે. આ નિમિત્તે એક વર્ષ પહેલાંથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ’ગાંધીપીડિયા’ માટે ’વૈષ્ણવ જન’ નામથી એક એનિમેશન ફિલ્મ પણ બનાવવામાં આવી રહી છે.
ગુજરાતમાં મહાત્મા ગાંધીના જન્મસ્થળ પોરબંધરથી દિલ્હી સુધી ’ખાદી એક્સપ્રેસ’ નામની એક નવી ટ્રેન શરૂ કરવામાં આવશે. ૫૦ દેશોમાં ભારતીય દૂતાવાસોમાં ગ્લોબલ ખાદી પ્રદર્શન લગાવવામાં આવશે. સૌથી અંતરિયાળ ૧૧૫ જિલ્લા સહિત દેશના ૩૦૦ જિલ્લામાં ’ખાદી સંગમ’ નામથી ખાદી પ્રદર્શન લગાવવામાં આવશે, સાથે-સાથે આખા દેશમાં ખાદી ફેશન શોનું પણ આયોજન કરવામાં આવશે.