અમદાવાદ, તા.૧૯
નાણામંત્રી નીતિન પટેલ દ્વારા રજૂ થયેલ લેખાનુદાન બજેટ ૨૦૧૯ને આવકારતા ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ગુજરાતના વિકાસને નવી ઊંચાઇઓ પર લઇ જવા માટેના રોડમેપ સમાન આજનું બજેટ સર્વસ્પર્ષી, સર્વવ્યાપી અને સર્વહિતકારી બજેટ છે. પ્રગતિશીલતાના ચાર સ્તંભને આધાર બનાવી વિકાસના નવા આયામો સર કરી છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, આજના આ બજેટમાં ૨૦૨૨ સુધીમાં કિસાનોની આવક બમણી કરવાના ધ્યેયને સિદ્ધ કરવા માટે અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. ગુજરાતમાં ખેડૂતોને ઝીરો ટકા વ્યાજે ધિરાણ આપવામાં આવે છે ત્યારે, ખેડૂતોને મળતી વ્યાજસહાય એકસાથે અને સમયસર મળી રહે તે માટે ૫૦૦ કરોડના રિવોલ્વીંગ ફંડ માટેની જોગવાઇ કરવામાં આવી છે. રાજ્યના ખેડૂતોને ખેતી માટેની તમામ પ્રાથમિક સુવિધાઓ જેવી કે, સિંચાઇની પુરતી સગવડ, વૈજ્ઞાનિક ઢબે જરૂરી માહિતી, સુધારેલા બિયારણો અને પુરતા પ્રમાણમાં વીજપુરવઠો ઉપલબ્ધ કરાવેલ છે. સૌની યોજનાના બીજા તબક્કા હેઠળ જામનગર શહેર માટે રણજીત સાગર ડેમ, ભાવનગર શહેર માટે શેત્રુજી ડેમ અને રાજકોટ શહેર માટે ન્યારી-૧ ડેમ સહિત ૩૫ જળાશયો અને ૧૦૦ કરતા વધુ ચેકડેમો ભરવાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાત તેમજ આદીવાસી વિસ્તારો માટે પણ જળાશય આધારીત સિંચાઇ યોજનાઓનું આયોજન કરવામાં આવેલ છે.