ભાવનગર, તા.ર૪
ભાવનગર મહાનગર પાલિકાની ટીમ દ્વારા આજે ભાવનગર શહેરના ઘોઘા ગેટ વિસ્તારમાં આવેલ બિઝનેસ સેન્ટર માં માસ્ક ડ્રાઇવ કરતાં વેપારીઓમાં રોષ ફાટી નીકળ્યો હતો અને વેપારીઓએ દુકાનો બંધ કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે બાદમાં સ્થાનિક આગેવાનો અને પોલીસની દરમિયાનગીરી બાદ આખરે મામલો થાળે પાડયો હતો અને વેપારીઓ દંડ ભરવા માટે તૈયાર થયા હતા.
આજે ભાવનગર મહાનગર પાલિકાની ટીમ દ્વારા શહેરના ઘોઘાગેટ વિસ્તારમાં આવેલ બિઝનેસ સેન્ટરમાં મોબાઇલના વેપારીઓને ત્યાં માસ્ક ન પહેરેલા હોય વેપારીઓને મનપાની ટીમ દ્વારા દંડ કરવા જતા વેપારીઓ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો અને બિઝનેસ સેન્ટરના અન્ય વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી અને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જોકે થોડીવાર માટે મનપાના અધિકારીઓ અને વેપારીઓ વચ્ચે ચકમક પણ ઝરી હતી. બાદમાં સમગ્ર મામલો ઘોઘા ગેટ પોલીસ ચોકી પહોંચ્યો હતો. જો કે ઘટનાના પગલે દોડી આવેલા પોલીસ અધિકારીઓ અને વેપારી એસોસિએશનના આગેવાનોની દરમિયાનગીરી બાદ સમજાવટથી વેપારીઓ દંડ ભરવા માટે તૈયાર થયા હતા જેને લઇને મનપાની ટીમ દ્વારા માસ્ક પહેરેલા હોય તેવા વેપારીઓને ચાર વેપારીઓએ હજાર હજારનો દંડ ફટકાર્યો હતો જોકે બાદમાં સમગ્ર મામલો થાળે પડ્યો હતો.