(એજન્સી) તા.ર૧
૧૧ ડિસેમ્બરે સવારે ૧૧ વાગ્યે, ૬૫ વર્ષિય ફાતિમા બેગમ મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં તેના ઘરની અંદર શાકભાજી ધોતી હતી ત્યારે એક ગોળી તેના જમણા પગમાં લાગી હતી. આ ગોળી તેના ઘરની છતની એક બારીમાંથી આવી હતી. વાયુસેનાના જવાનો દ્વારા તેમની નિયમિત ગોળીબારની કવાયત દરમિયાન આ ગોળીઓના રાઉન્ડ છોડવામાં આવ્યા હતા. પીડાને લીધે ફાતિમા બેભાન થઈ ગઈ હતી અને જમીન પર પડી ગઈ હતી. તેના ઘરમાં બીજું કોઈ ન હતું, તેથી પડોશીઓએ જ્યારે તેને શોધી કાઢી ત્યારે જ તેણીને હોસ્પિટલમાં તેઓ લઈ ગયા હતા. ફાતિમાના નાના પુત્ર નસરૂલ્લાએ ધ વાયરને જણાવ્યું હતું કે ૧૯૯૩માં તેના પતિની આતંકવાદીઓ દ્વારા હત્યા કરવામાં આવી હોવાથી તેની માતા માનસિક અને શારીરિક રીતે અક્ષમ થઈ ગઈ હતી.
જ્યારે ફાતિમાના પતિ રસૂલની હત્યા કરવામાં આવી હતી, ત્યારે કાશ્મીરમાં સશસ્ત્ર સંઘર્ષ ચરમસીમાએ હતો. બાબરખાન નામના સ્થાનિક આતંકવાદીએ કથિત રીતે રસુલના શરીર પર ગોળીઓ ચલાવી હતી. ત્યારે ફતિમાએ પોતાના પતિને બચાવવા માટે આતંકવાદીઓની વિનંતી કરી હતી. એ પાછી રસૂલને શ્રીનગરની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો ત્યાં સુધીમાં ઈજાઓ વધી ગઈ હતી. ધ વાયર દ્વારા એક્સેસ કરાયેલા દસ્તાવેજો અનુસાર, પોલીસે જણાવ્યું હતું કે રસૂલના મોતનું કારણ બુલેટની ઈજા હતી. નસરૂલ્લાએ જણાવ્યું હતું કે આ હત્યામાં સામેલ આતંકવાદીને પોલીસે પકડ્યો હતો પરંતુ પછીથી તેને મુક્ત કરવામાં આવ્યો હતો.
તેણે કહ્યું કે “આતંકીઓએ મારા પિતાની હત્યા કરી ત્યારે હું ત્રણ મહિનાનો હતો. મારી માતાએ મારો ઉછેર કર્યો છે. અને અમે ખૂબ જ ખરાબ સમય પસાર કર્યો છે. અમારૂં જીવન કષ્ટથી ભરેલું છે.”
આ કાયમી સમસ્યા છે
વોલીના ગામ શ્રીનગરથી ૧૯ કિલોમીટર દૂર આવેલું છે. શ્રીનગર આંતરરાષ્ટ્રીય વિમાનમથકની બાજુમાં એરફોર્સનો બેઝ કેમ્પ આવેલ છે. ગામના મોહમ્મદ કાસિમે આક્ષેપ કર્યો હતો કે શુક્રવાર, ૧૧ ડિસેમ્બરના રોજ, ગામના લગભગ દરેક ઘરમાં કોઈને કોઈ સ્થળે ગોળીઓ લાગી હતી. ગામના લોકોના જણાવ્યા મુજબ, “દરેક ઘરની બારી બુલેટથી તૂટી ગઈ હતી. દરેક ઘરમાં છિદ્રો પડી ગયા હતા. કેટલાક મકાનોને વધુ નુકસાન પહોંચ્યું હતું, કાસિમે એવો દાવો કર્યો હતો કે ભૂતકાળમાં આ ફાયરિંગ કવાયતોને કારણે હૃદયને લગતી બીમારીઓને લીધે અનેક લોકો મૃત્યુ પામ્યા છે. આવી ફાયરિંગથી અમારા પૈકી અનેક લોકોને મોતનો ડર પેસી ગયો છે.” ફાયરિંગ કવાયત અંગે બડગામ તહસીલદરે તાજેતરમાં બડગામના ડેપ્યુટી કમિશનરને પત્ર પાઠવ્યો હતો. તેમાં જણાવ્યુ છે કે “ધારાધોરણો અને માર્ગદર્શિકાઓનું ઉલ્લંઘન કરીને ફાયરિંગ કવાયત કરવી એ એરફોર્સના જવાનો માટે રોજિંદૂ કામ બની ગયું છે. આ ગામની દિશામાં એરફોર્સના જવાનો હવાઇ ગોળીબાર કરી રહ્યા છે જેનાથી ગામલોકોના જીવ જોખમમાં મૂકાયા છે. આ પત્રમાં આ મુદ્દે વારંવાર થતી ફરિયાદો પણ પ્રકાશિત કરવામાં આવી છે. અમે અસરગ્રસ્ત ગામની મુલાકાત લીધી છે અને ઉચ્ચ અધિકારીઓને ભલામણો રજૂ કરી છે પરંતુ આજદિન સુધી કંઇ કરવામાં આવ્યું નથી”, તેવું તહેસલદારે લખ્યું છે. હજુ સુધી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. આ ગામના હસન અલીએ જણાવ્યું હતું કે, ફાયરિંગ સ્થળ બંધ કરવાની માંગ સાથે અનેક પ્રતિનિધિ મંડળ જિલ્લા અધિકારીઓને મળ્યા હતા, પરંતુ કોઈને પણ અમારી પરવા નથી. ફાતિમાને થયેલી ઇજા પછી આ વિસ્તારમાં વિરોધ પ્રદર્શન થયા હતા અને આ ઘટનામાં સામેલ એરફોર્સના જવાનો સામે કડક કાર્યવાહી કરવાની માંગને લઈને કેટલાંક લોકોએ બડગામ-ખાનસાહેબ રોડને અવરોધિત કર્યો હતો. મુર્તઝા અલી નામના એક વ્યક્તિએ કહ્યું કે, “આજે ફાતિમા પછી, આપણે જાણતા નથી કે હવે કોને ઇજા થશે.” બડગામ પોલીસ સ્ટેશન દ્વારા આ ઘટનામાં એફઆઈઆર દાખલ કરવામાં આવી છે અને સૂત્રો કહે છે કે તપાસ શરૂ થઈ ગઈ છે. જ્યારે ધ વાયરને તેમની ટિપ્પણીઓ માટે સંબંધિત સ્ટેશન હાઉસ ઓફિસનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, ત્યારે વારંવાર ફોન કોલ્સનો જવાબ મળ્યો નહીં. જ્યારે સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ રાજેશ કાલિયાનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ સંવાદદાતાને પોલીસ એફઆઈઆર વાંચવાનું કહ્યું હતું અને આ ઘટના અંગે વધુ ટિપ્પણી કરવાનો ઇન્કાર કર્યો હતો. (સૌ. : ધ વાયર)