(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૧૧
ઓલપાડ તાલુકાના માસમા ગામના બડાપીર સાહેબ ટ્રસ્ટની ૧૯૪૭૨ ચો.મી.જમીન ખોટા દસ્તાવેજોના આધારે કરાયેલ વેચાણના નિર્ણયને ગુજરાત રાજ્ય વકફ ટ્રીબ્યુનલે અયોગ્ય જાહેર કરી, ટ્રસ્ટના ટ્રસ્ટી સામે ન્યાયિક કાર્યવાહી કરવા માટે વકફ બોર્ડને હુકમ કર્યો હતો.
વકફની જમીનને ખરીદનાર અરજદારે વફક બોર્ડના નિર્યણને કુદરતી ન્યાયના સિદ્ધાંત વિરૂદ્ધનો લેખાવતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં કરતાં, હાઇકોર્ટના આદેશાનુસાર ગુજરાત વકફ ટ્રીબ્યુનલે અરજદારની અરજીને કાઢી નાંખી, વકફ બોર્ડના હુકમને યોગ્ય ઠેરાવતો હુકમ કર્યો હતો.
કેસની પ્રાપ્ત વિગતો મુજબ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના માસમા ગામમાં બડાપીર સાહેબ ટ્રસ્ટના ટ્રસ્ટી બાબુશા કાસમશાએ વકફની ૧૯૪૭૨ ચો.મી.જમીનના દસ્તાવેજો બનાવીને વકફ બોર્ડ પાસેથી તેના વેચાણની પરવાનગી મેળવી હતી. બાદમાં આ ટ્રસ્ટીએ આ જમીન સુરતના જ ઉતરાણ ગામના સિલ્વર પેલેસમાં રહેતા ઘનશ્યામભાઇ પોપટભાઇ કાવોડિયાને વર્ષ ૨૦૦૬ની આસપાસના સમયમાં વેચી નાંખી હતી. આ જમીન ગેરકાયદેસર રીતે વેચાય હોય સુરતના પાલ રોડ ઉપરના રાજહંસ વ્યુમાં રહેતા અશ્વિન ભગવાનભાઇ વાંકાવાલાએ આ બાબત અંગે રાજ્ય વકફ બોર્ડને અરજી કરી તેમનું આ બાબતે ધ્યાન દોર્યું હતું. તેમણે વકફ બોર્ડના ધ્યાને એ બાબત પણ લાવી હતી કે જમીનનો દસ્તાવેજ બનાવવામાં આવ્યો છે તે ખોટી રીતે બનાવવામાં આવ્યો છે. આ બાબતે વકફ બોર્ડને ગેરમાર્ગે દોરવામાં આવ્યા છે.જેથી ગત તા.૧૧મી ફેબ્રઆરી ૨૦૧૬ના રોજ વકફ બોર્ડે આ જમીનના વેચાણની પરવાનગી રદ કરતો હુકમ કર્યો હતો. જેથી નારાજ થયેલ પક્ષકારે ગુજરાત હાઇકોર્ટમાં વકફ બોર્ડના હુકમને પડકારતી અરજી કરી હતી.જેમાં તેમણે વકફ બોર્ડના વહીવટ સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતા.પરંતુ આ બાબત વકફ ટ્રીબ્યુનલને સ્પર્શતી હોય,નામદાર કોર્ટે અરજદારની અરજીને કાઢી નાંખતા રાજ્ય વકફ બોર્ડ અને અરજદારને સાંભળીને નિર્ણય લેવા માટે વકફ બોર્ડ ટ્રીબ્યુનલને જણાવ્યું હતું. આ કેસમાં વકફ બોર્ડ ટ્રીબ્યુનલે અરજદાર અને આ કેસના વકફ બોર્ડ સહિતના ચાર પક્ષકારોને સાંભળીને ગત તા.૩જી ડિસેમ્બરના રોજ પોતાનો હુકમ સંભળાવ્યો હતો.જેમાં તેમણે અરજદારની અરજીને કાઢી નાંખી હતી.તેમણે આ કામના સામાવાળા નં.૪ બાબુશાહ કાસમશાહે વકફના વહીવટકર્તા તરીકેની કામગીરી કરવાની જગ્યાએ કાવતરુ રચીને નાણાંકીય ઉચાપત કરેલ છે તથા તમામ ન્યાયિક અદાલતોને ગેરમાર્ગે દોરેલ હોવાથી તેની સામે ગુજરાત રાજ્ય વકફ બોર્ડને ન્યાયિક કાર્યવાહી કરવાનો હુકમ કર્યો હતો. આ કેસનો ચુકાદો ગુજરાત રાજ્ય વકફ બોર્ડના અધ્યક્ષ એ.આઇ.શેખ,તથા સભ્યો ડો.રિઝવાન કાદરી અને યુ.એ.પટેલ દ્વારા આપવામાં આવ્યો હતો.
અત્રે નોંધનીય છે કે આ કેસના સમગ્ર જમીન વેચાણ સોદામાં ઘણું ખોટું થયું હોવાની બાબત એક હિન્દુ અરજદાર દ્વારા વકફ બોર્ડના ધ્યાને લાવવામાં આવી હતી.જેના કારણે વકફની જમીનનો ગેરકાયદેસરનો સોદો ફોક જાહેર કરાયો હતો.