અમદાવાદ, તા. ૩૦
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને અમદાવાદ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન બદરૂદ્દીન શેખ તથા નિવૃત આઇપીએસ અધિકારી રફીયુદ્દીન કાદરીના અવસાનને લઇને અમેરિકન ફેડરેશન ઓફ મુસ્લિમ્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન(એફમી)ના સભ્યોએ શોક વ્યક્ત કરીને તેમને ખિરાજે અકીદત પેશ કરી છે. એફમીના ટ્રસ્ટી ડૉ. નાકાદારે જણાવ્યું કે, બદરૂદ્દીન શેખના અવસાનના સમાચાર સાંભળી ભારે દુઃખ થયું છે. તેમણે લખ્યું કે, ગુજરાતમાં યોજાયેલી અમારી વિવિધ શૈક્ષણિક કોન્ફરન્સમાં તેમની હાજરી સમાજમાં શિક્ષણના સશક્તિકરણ પ્રત્યે તેમની અપાર ઉત્કંઠાની સાક્ષી પૂરે છે. વિદ્યાર્થીઓને તેમના પ્રેરણાદાયક શબ્દો હંમેશા તેમને માર્ગદર્શન આપશે. તેઓ એવા મહાન વ્યક્તિ હતા જેઓ દબાયેલા અને કચડાયેલા લોકોનું ધ્યાન રાખતા હતા. તેઓ હંમેશાલોકોની મદદ માટે તૈયાર રહેતા હતા. કોરોના સંકટમાં ગરીબોની મદદ કરતા કરતા તેઓને સંભવિત ચેપ લાગ્યો. તેઓ અનેક લડાઇ લડ્યા અને જીત્યા પણ જીવનનો જંગ જીતી શક્યા નહીં અને પરિવાર, મિત્રો, સંબંધીઓ તથા અન્યોને છોડીને જન્નતનશીન થયા. તેમના પરિવાર, મિત્રો અને સંબંધીઓ સાથે અમારી દિલી સંવેદના છે. અમારી દુવા છે કે અલ્લાહત્આલા તેમના ગુના માફ કરીને જન્નતમાં મકામ અતા કરે. દરમિયાન એફમીએ પૂર્વ આઇપીએસ રફીયુદ્દીન કાદરી માટે પણ દુવા કરી હતી. જેમાં જણાવ્યું કે, પોલીસ અધિકારી તરીકે તેમની અનન્ય લાંબી સેવા બદલ યાદ રખાશે. તેઓ હંમેશા ઇમાનદારી, સભ્યતા, કાયદો અને વ્યવસ્થા તથા ન્યાય સાથે ઉભા રહ્યા. તેમની શાનદાર સેવા માટે ગુજરાત અને દેશ તેમને યાદ કરશે. અલ્લાહ તેમની બક્ષીશ કરીને જન્નતુલ ફિરદૌસમાં જગ્યા અતા કરે.