(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૮
કોઈ પણ ઝઘડામાં માફી આપનારાનું જ માન વધે છે. પરંતુ હાલ લોકો બદલાની ભાવનામાં કોઈ પણ હદે જાય તેવા અનેક કિસ્સા પ્રકાશમાં આવે છે ત્યારે અમદાવાદમાં નોકરીમાં સાથી કર્મચારી સાથે બોલાચાલીને લીધે નોકરી છૂટી જતાં યુવકે બદલો લેવા તેના નામ અને નંબરની ચિઠ્ઠી લખી રૂા.ર૦ લાખની ખંડણી માંગી હતી. જો કે, પોલીસની ઘનિષ્ઠ તપાસમાં આખરે ચિઠ્ઠી લખનારો યુવક પકડાઈ ગયો છે. એટલે બદલાની આગને ઠારવા યુવકે અપનાવેલા ગુનાના માર્ગે તેને જેલમાં પહોંચાડી દીધો છે. સમગ્ર મામલે વિગતવાર વાત કરીએ તો તા.૪ જૂનના રોજ શહેરના સેટેલાઈટ સત્યાગ્રહ છાવણી વિસ્તારમાં એક બંગલા આગળ હાથથી લખેલી ચિઠ્ઠીમાં પોતાનું નામ સુમિત જણાવી રૂા.ર૦ લાખની માગણી કરી હતી. જો રૂપિયા નહીં આપે તો બહેન-દીકરીઓના બળાત્કાર કરવાની અને નકસલવાદીઓ દ્વારા જાનથી મારી નાંખવાની ધમકીઓ ચિઠ્ઠીમાં આપી હતી જેથી ભોગ બનનારા ડરી જતાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના ખાસ પોલીસ કમિશનર અજય તોમરને સમગ્ર મામલે રજૂઆત કરી હતી. જેથી ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને ગુનાનો ભેદ ઉકેલવા અજય તોમરની સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી દિપન ભદ્રનના માર્ગદર્શન હેઠળ આરોપીને શોધવા ક્રાઈમ બ્રાન્ચની ટીમે કવાયત શરૂ કરાઈ હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ચિઠ્ઠી લખનારા અનુપ દેવનાથ ગજભીયે (હાલ રહે.બોપલ બ્રિજના છેડે અમદાવાદ, મૂળ રહે.નાગપુર)ને પકડી પાડયો હતો. આરોપી અનુપની પૂછપરછ કરતાં ખુલાસો થયો હતો કે તે અગાઉ નોકરી કરતો હતો ત્યાં સહકર્મચારી સાથે બોલાચાલીને લીધે તેની નોકરી છૂટી ગઈ હતી. તેનો બદલો લેવા તેના નામ અને નંબરની ચિઠ્ઠી લખી કોઈ વેપારી કે ધનકુબેરના ઘરે નાંખી દેવાની યોજના તેણે બનાવી હતી. ક્રાઈમ બ્રાન્ચે પકડેલા આરોપીને વધુ તપાસ માટે સેટેલાઈટ પોલીસ સ્ટેશને સોંપવા તજવીજ હાથ ધરાઈ છે.