અમદાવાદ, તા.૭
શહેરના વાડજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેકટર જે.એ.રાઠવાની વિશેષ શાખામાં બદલી થતાં પોલીસ કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે સોશિયલ મીડિયામાં એક લેટર પણ વાયરલ થયો છે. PIની બદલીને લઈને કટાક્ષ કરતો આ લેટર ડી.વી.સ્વામી મહારાજ કલોલ ગાંધીનગરને સંબોધીને લખવામાં આવ્યો છે જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, ‘અમે એલ.આર. જે તે પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવીએ છીએ. અમારુંં નિવાસ્થાન નોકરીના સ્થળેથી ઘણું દૂર થાય છે. આ કારણે આવવા અને જવામાં તકલીફ પડે છે. નોકરીમાં સમયસર પહોંચતા ન હોય અમોની બદલી અમારા રહેણાકના નજીકના પોલીસ સ્ટેશન ખાતે કરી આપવા માટે આપ સ્વામીને વિનંતી.’ પત્રમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, ‘આપ સ્વામીની ગાડી રોકતા તાત્કાલિક બદલી કરાવી આપો છો. આથી જ આપ હવે ક્યાંથી પસાર થવાના હોય અમને જણાવશો. આપની ગાડી અમે રોકીએ એટલે અમારી બદલી થઈ શકે.’ સાથે આ લેટરમાં છેલ્લે-છેલ્લે નોંધ સાથે ડિસિપ્લિનમાં બંધાયેલ એલ.આર. તેવો પણ ઉલ્લેખ છે. બીજી તરફ અમદાવાદમાં મોટાભાગના પોલીસકર્મીએ પોતાના વ્હોટ્‌સએપ ડીપીમાં પીઆઈનો ફોટો રાખી તેમને સમર્થન જાહેર કર્યું છે. વાડજ પીઆઈ જે.એ.રાઠવાએ કરફ્યુ સમયમાં પસાર થતી સંતની ગાડી રોકી અને કાર્યવાહી કરી હતી. જો કે, ધારાસભ્યોના ફોન આવતાં જે તે લોકોને ઉચ્ચ અધિકારીઓની સૂચનાથી દંડ લઈ જવા દેવામાં આવ્યા હતા. આ મામલો પૂરો થયા બાદ તેઓની સ્પેશિયલ બ્રાન્ચમાં બદલી કરી દેવામાં આવી હતી જેને પગલે પોલીસબેડામાં રોષ જોવા મળી રહ્યો છે.