યોગીના ઉત્તરપ્રદેશમાં નરાધમ બળાત્કારીઓને ૫ોલીસ, કાયદા કે સરકારનો જરા પણ ડર નહીં

(એજન્સી) નવી દિલ્હી, તા.૬
યોગી આદિત્યનાથના ઉત્તરપ્રદેશમાં બળાત્કારીઓને ન તો પોલીસ ન તો કાયદા ન તો સરકારનો ડર રહ્યો છે. ત્યારે બેફામ અને બેખોફ બનેલા હેવાન જેવા બળાત્કારીઓએ મંદિરમાં દર્શન માટે ગયેલી આઘેડ વયની મહિલાને નિશાન બનાવી હતી. હેવાનોએ ૫૦ વર્ષની મહિલા પર સામૂહિક રીતે દુષ્કર્મ આચરી તેને ક્રૂર રીતે પીંખી નાંખી હતી. નરાધમોએ આ પીડિતા પર એ હદે જુલ્મ ગુજાર્યો કે, તેની વિગત સાંભળી રૂવાડાં ઊભા થઈ જાય. કઠળ કાળજાના માનવીને પણ હચમચાવી મૂકે તે હદે પીડિતા પર ક્રૂરતા આચરવામાં આવતા ઈજાઓને કારણે કમભાગી મહિલાએ દમ તોડયો હતો. આ હેવાનિયતભરી ઘટનામાં ઊડીને આંખે વળગે તે વાત એ હતી કે, આરોપીઓમાં એક પૂજારી પણ સામેલ છે. સામૂહિક રીતે બળાત્કાર ગુજાર્યા બાદ પણ હેવાનો આટલેથી અટકયા ન હતા અને તેમણે પોતાની બીમાર માનસિકતાનો પરિચય આપતાં પીડિતાના પ્રાઈવેટ ભાગમાં સળીયો નાખ્યો હતો, તેના પગ અને પાંસળી તોડી નાંખ્યા હતા. એટલું જ નહીં, ફેફસા પર પણ વજનદાર વસ્તુથી હુમલો કરવામાં આવ્યો હોવાનું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલતાં પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠયા હતા. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે જાણવા મળ્યું હતું કે, ઈજાઓના કારણે વધુ પડતું લોહી વહી જવાથી અને આઘાતમાં સરી પડવાથી મહિલાનું મોત થયું હતું. ફરજમાં બેદરકારી બદલ એક પોલીસ અધિકારીને પણ સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. એવો પણ આરોપ લગાવવામાં આવ્યો હતો કે, ઘટનાના ૧૮ કલાક બાદ પીડિતાની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. આ જંગલિયભરી ઘટનાના કારણે ફરી એક વખત દેશભરમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. ગેંગરેપની આ ઘટનાએ નિર્ભયા કાંડની યાદ અપાવી દીધી હતી.
ઉત્તરપ્રદેશના બદાયૂંમાં બનેલી આ સનસનાટીપૂર્ણ ઘટના અંગે પોલીસે જણાવ્યું હતું કે, આ ક્રૂર સામૂહિક દુષ્કર્મ મામલે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મંદિરના પૂજારી અને અન્ય બે શખ્સો સામે ગેંગરેપ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. મહિલા દર્શન કરવા મંદિરે ગઈ હતી ત્યારે તેની સાથે આ ઘટના બની હતી. સીનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (એસએસપી) સંકલ્પ શર્માએ સમગ્ર ઘટનાની પુષ્ટિ કરી હતી. ત્રણ આરોપીઓની ઓળખ મંદિરના પૂજારી સત્યનારાયણ, તેના શિષ્ય વેદરામ અને ડ્રાયવર સત્પાલ તરીકે કરવામાં આવી હતી.
ઉત્તર પ્રદેશના બદાયૂંમાં એક મહિલાની સાથે નિર્ભયા કાંડ જેવી ઘટના સામે આવી છે. હેવાનિયત એક આઘેડ મહિલા સાથે થઈ છે. મહિલા સાથે ગેંગરેપ કર્યા બાદ હત્યા કરી દેવામાં આવી. ઘટના બાદ મહિલાનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ જ્યારે સામે આવ્યો ત્યારે ચોંકાવનારો ખુલાસો થયો છે. રિપોર્ટ મુજબ, મહિલાના ગુપ્તાંગમાં સળીયા જેવી કોઈ ચીજથી હુમલો કરવામાં આવ્યો, જેના કારણે તેના પ્રાઇવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ થઈ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, મહિલાની પાંસળી અને પગ તોડી દેવામાં આવ્યા છે. ફેફસા ઉપર પણ વજનદાર ચીજથી હુમલો કરવામાં આવ્યો છે. આ ઘટના બાદ એસઅસપીએ તાત્કાલિક એસપીને ઘટનાસ્થળે મોકલ્યા અને આરોપીઓને ઝડપવા માટે ૪ ટીમો બનાવી છે. પોલીસે પરિજનોની ફરિયાદના આધારે આરોપી મહંત સહિત તેના એક સાથી અને ડ્રાઇવરની વિરુદ્ધ ગેંગરેપ બાદ હત્યાનો કેસ નોંધી દીધો છે. આ ચોંકાવનારી ઘટના ઉધૈતી પોલીસ સ્ટેશનની હદના એક ગામની છે. અહીં ગામની એક મહિલા નજીકના ગામમાં આવેલા મંદિરે રવિવારે સાંજે ગઈ હતી. ત્યારબાદ તે પરત આવી નહીં. સ્થાનિક લોકોનો આરોપ છે કે રાત્રે લગભગ ૧૨ વાગ્યે એક કાર સવાર અને બે અન્ય શખ્સ મહિલાને લોહીલુહાણ સ્થિતિમાં છોડીને ભાગી ગયા. મહિલાનું રાત્રે જ મોત થઈ ગયું. મળતી માહિતી મુજબ આ પહેલા આરોપી મહિલાને પોતાની કારથી સારવાર માટે ચંદૌસી પણ લઈ ગયો હતો. મહિલાના પરિજનોએ સામૂહિક દુષ્કર્મ બાદ હત્યાનો આરોપ લગાવ્યો છે. પરિજનોનું કહેવું છે કે ઉધૈતીના પોલીસ અધિકારી રાવેન્દ્ર પ્રતાપ સિંહ ફરિયાદ બાદ પણ ઘટનાસ્થળ પર નહોતા પહોંચ્યા.