(એજન્સી) તા.૮
ઉ.પ્ર.ના બદાયૂં શહેરમાં આંગણવાડી કાર્યકર્તા સાથે બળાત્કાર અને હત્યાના કેસનો મુખ્ય આરોપી મંદિરનો પૂજારી સત્યનારાયણની પોલીસે ધરપકડ કરી લીધી છે. ગુરૂવારે મોડી રાત્રે મહંત સત્યનારાયણને ઉદ્યૈતીના મવલી ગામના લોકોએ ઘરમાં સંતાયેલો જોયા પછી પોલીસને માહિતી આપી હતી. પૂજારીની ધરપકડ કરવા માટે પોલીસની ટીમ સતત પ્રયાસો કરી રહી હતી અને પોલીસે પૂજારીને પકડવા માટે પ૦ હજાર રૂપિયાના ઈનામની પણ જાહેરાત કરી હતી. ગામવાસીઓએ પોલીસ ત્યાં પહોંચે તે પહેલા પૂજારીને પકડી રાખ્યો હતો અને ત્યાર પછી પોલીસને સોંપી દીધો હતો. મહિલાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેની પર આચરેલી હૈવાનીયતનો ખુલાસો થયો હતો. પોલીસ તરફથી આ કેસમાં કાર્યવાહી માટે તાત્કાલિક ચાર ટુકડીઓ બનાવાઈ હતી. મહંત સહિતના બે આરોપીઓની પોલીસ પહેલા જ ધરપકડ કરી ચૂકી છે. પોલીસ પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે ચોથી જાન્યુઆરીએ મૃતદેહને પોલીસે પોસ્ટમોર્ટમ માટે તરત જ મોકલી દીધો નહોતો. ઘટના પછી ૪૮ કલાક બાદ પ જાન્યુઆરીએ પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. આ કેસમાં બેદરકારી દાખવવા બદલ ઉદ્યૈતી મથકના એસએચઓ રાઘવેન્દ્રસિંહને બરતરફ કરી દેવામાં આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે મહિલાના જનનાંગોમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને તેના પગનું હાડકુ પણ તોડી નાખવામાં આવ્યું હતું. મહંત સત્યનારાયણની ધરપકડ એવા સમયે થઈ છે જયારે રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબલ્યુ)ના એક સભ્ય ચદ્રમુખી દેવે પીડિતાને વિચિત્ર કલાકોમાં મંદિરના દર્શન માટે મુલાકાત લેવાના નિર્ણય માટે દોષિત ઠેરવી હતી. આ વીડિયોના કારણે મોટો વિવાદ સર્જાયો છે. વાયરલ વીડિયોમાં ચંદ્રમુખી દેવ એમ કહેતા દેખાય છે કે મહિલાએ અન્ય લોકોના પ્રભાવ હેઠળ વિચિત્ર કલાકોમાં મંદિરમાં પ્રવેશવું જોઈએ નહીં મને નવાઈ લાગે છે કે જો મહિલાએ સાંજે દર્શન ન કરવાનું પસંદ કર્યું હોત અથવા તેણીએ તેના પરિવારમાંથી કોઈને પોતાની સાથે લઈ ગઈ હોત તો આવી ઘટના ન બની હોત.