(એજન્સી) તા.૧૯
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને તેમના કાફલાને મૈસૂરની પ્રસિદ્ધ હોટલ લલિત મહલ પેલેસમાં આવાસ મળ્યો ન હતો. આ હોટલના એક અધિકારીએ જણાવ્યું હતું કે, એક લગ્ન સમારંભને કારણે બધા જ રૂમો રોકાયેલા હતા. આ કારણે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક અન્ય વૈભવી હોટલમાં તેમના માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. હોટલ લલિત મહલ પેલેસના જનરલ મેનેજર જોસેફ મથિઅસે જણાવ્યું હતું કે ડેપ્યુટી કમિશનરની કચેરીમાંથી એક અધિકારી વડાપ્રધાન અને સુરક્ષાકર્મીઓ સહિત તેમના સ્ટાફ માટે રૂમ બુક કરાવવા આવ્યો હતો. પરંતુ મોટાભાગના રૂમો એક લગ્ન સમારંભના કારણે બુક હોવાથી અમે તેઓને રૂમ આપવાની પરિસ્થિતિમાં ન હતા. અમારી પાસે ફકત ત્રણ રૂમ ખાલી હતા પરંતુ સુરક્ષાના કારણોસર આટલા મોટા સ્ટાફ માટે ફકત ત્રણ રૂમ બુક કરાવવા સલાહભર્યું ન હતું. છેવટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રેડિસન બ્લુ હોટલમાં વડાપ્રધાન રોકાયા હતા જ્યાં તેઓ ગત રાત્રે અને સોમવારે રહ્યા હતા.