(એજન્સી) તા.૮
બધા પેલેસ્ટીની સંગઠનોના મહાસચિવોએ પેલેસ્ટીની આઝાદીના પ્રયત્નોને નબળા પાડવાના પ્રયત્નોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતા. ગુરૂવારે બૈરૂત અને રામલ્લાહ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય પરિષદમાં આ સંગઠનો દ્વારા બહાર પાડવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં ઈઝરાયેલ સાથે સંબંધો સામાન્ફ બનાવવાના બધા પ્રયત્નોની ટીકા કરી તેમને પેલેસ્ટીની લોકો તેમજ અરબ અને ઈસ્લામિક જગત સાથે કરવામાં આવેલી દગાબાજી ગણાવવામાં આવી હતી. આ નિવેદનમાં પેલેસ્ટીની નેતાઓએ વિશ્વભરના લોકોને પેલેસ્ટીનની આઝાદી અને પેલેસ્ટીની લોકોના અધિકારીઓના રક્ષણ માટેની લડતમાં સમર્થન આપવાની હાકલ કરી હતી. બધા પેલેસ્ટીની સંગઠનોએ સંયુક્ત રીતે બહાર પાડેલા આ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે પેલેસ્ટીની લોકોના ઈતિહાસની આ ગંભીર ક્ષણે અમારી આઝાદી અને અધિકારો માટેની લડતને નબળી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે. ડીલ ઓફ ધ સેન્ચ્યુરી, વેસ્ટબેંકને ઈઝરાયેલમાં ભેળવી દેવાની યોજના અને ઈઝરાયેલ સાથે સંબંધો સામાન્ય બનાવવાના પ્રયત્નોના પરિણામે પેલેસ્ટીનની આઝાદીના પ્રયત્નો સામે અનેક પડકારો ઊભા થયા છે. આ ઐતિહાસિક બેઠકમાં પેલેસ્ટીનના બધા સંગઠનનો પેલેસ્ટીન લિબરેશન ઓર્ગેનાઈઝેશન (પીએલઓ)ના છત્ર નીચે એકત્ર થયા છે જે પેલેસ્ટીની લોકોનું એકમાત્ર અને કાયદેસર પ્રતિનિધિ છે. હવે આપણે આપણા લક્ષ્યાંકોને હાંસલ કરવાની તેમજ આપણા સિદ્ધાંતો અને મૂલ્યોની જાળવણી કરવાની દિશામાં આગળ વધીશું. પીએલએના પ્રમુખ મેહમૂદ અબ્બાસના નેતૃત્વમાં પેલેસ્ટીની લોકોના બધા સંગઠનો એક સ્વરમાં પેલેસ્ટીનની આઝાદી અને પેલેસ્ટીની લોકોના અધિકારો માટેના પ્રયત્નોને નબળા પાડવાની બધી યોજનાઓ ફગાવે છે.